આભની વાડી
આભની વાડીએ ઊગ્યાં તારલિયાનાં ફૂલ રે,
ચાંદલિયો તો માળી થઈને ફરતો ડૂલમડૂલ રે.
ઝાકળ ભરીને ઝારી લાવી રાતની રાણી પરી,
પાંદડે પાંદડે ઊંઘ પાઈ ને હળવે હળવે ફરી;
એક ફૂલ ખરીને આવ્યું, બાળક બોલ્યું, ‘ભૂલ રે!’
આભની વાડીએ…
ખરેલ ફૂલને ખોળે લીધું, આંખ મીંચીને માગ્યું,
માડી કહે, ‘જે માગ્યું તે તો તારું થઈને જાગ્યું’;
સવારે જોયું — ઓશીકે તો ચમકે એની ધૂળ રે!
આભની વાડીએ…
પરાગ કહે: આ વાડી કોની? પૂછે નાનું મન,
માડીની આંખે ઊગ્યું છે, એ જ આખું ગગન;
હાલરડે હાલરડે ઊગે, એનું ક્યાંય ન મૂલ રે…
આભની વાડીએ…
– પરાગ રતનપરા