← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · વિચારનો વેપાર

લાકડાની ટૂથપિક વિચારધારા

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૨૮૦

લાકડાની ટૂથપિક તમે જોઈ છે? જમ્યા પછી દાંત ખોતરવા વપરાય. બે સેકન્ડ કામ લાગે, પછી કચરાપેટીમાં જાય. બનાવવાનો ખર્ચ મામૂલી, વેચવાની કિંમત નજીવી અને તેનો કોઈ વિકલ્પ શોધવા કોઈ માથું ન ખંજવાળે. આ કોઈ મહાન વિજ્ઞાનીનો સિદ્ધાંત નથી, પણ આધુનિક ધંધાકીય દુનિયાનો એક નિર્દય વાસ્તવિક વિચાર છે. જ્યારે કોઈ ચીજ, સેવા કે માણસ એટલો સસ્તો અને સામાન્ય બની જાય કે તેની કોઈ વિશિષ્ટ કિંમત ન રહે, ત્યારે તેને લાકડાની ટૂથપિક કહેવાય. તેને ગમે ત્યારે ફેંકી શકાય, કારણ કે બજારમાં તેના જેવી બીજી લાખો પડી છે.

આ વિચાર કોણે પહેલી વાર વાપર્યો તે ચોક્કસ ખબર નથી. વ્યવસાય અને મૂડીરોકાણના ક્ષેત્રમાં આવા રૂપકો ઘણી વાર અનૌપચારિક રીતે વપરાય છે. અસલ સવાલ ઉપયોગીતાનો નથી, બદલી શકાય તેવાપણાનો છે. ટૂથપિક ઉપયોગી ચોક્કસ છે, પણ અનિવાર્ય નથી. તમે તેને સાચવીને તિજોરીમાં નથી મૂકતા. આ જ ફાંસલો સફળતા અને નકામી દોડધામ વચ્ચે પડે છે.

આપણે આખી જિંદગી પરિશ્રમ કરીએ છીએ, પણ ઘણી વાર એવા કામમાં જેનું મૂલ્ય ટૂથપિક જેવું હોય. જો તમારી આવડત કે તમારા વ્યવસાયની નકલ કોઈપણ વ્યક્તિ અડધા કલાકમાં કરી શકતી હોય, તો તમે સંકટમાં છો. ધંધામાં જો તમારી પાસે કોઈ મોટ એટલે કે રક્ષણાત્મક દીવાલ ન હોય, તો ભાવતાલ કરવાની શક્તિ હંમેશાં ગ્રાહક પાસે રહેશે. તમે માત્ર જથ્થો વેચીને ટકી રહેવાની મથામણ કરશો, જેમાં અંતે નફો શૂન્ય થઈ જાય છે.

દલાલ સ્ટ્રીટ પર નજર નાખો. શેરબજારમાં રોકાણ કરનારા ઘણા લોકો એવી કંપનીઓની પાછળ દોડે છે જે માત્ર કાચો માલ કે પાયાની પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવે છે. ધારો કે રાજકોટ કે મોરબીની કોઈ પેઢી સસ્તા નટ-બોલ્ટ બનાવે છે. ઓર્ડર મોટા છે, ટર્નઓવર કરોડોનું દેખાય છે. પણ જેવો ચીનથી માલ સસ્તો આવ્યો કે તરત જ આ કંપનીના નફાનો કચ્ચરઘાણ વળી જાય છે. રોકાણકાર વિચારે છે કે માલ તો વેચાય છે, પણ કંપની પાસે પોતાના ભાવ નક્કી કરવાની તાકાત જ નથી. આવી કંપનીઓ બજારની લાકડાની ટૂથપિક છે. સસ્તી, ઉપયોગી, પણ એક ઝાટકે ફેંકી દેવાય તેવી.

જે ચીજ સહેલાઈથી બદલી શકાય છે, તેનું સન્માન ક્યારેય ટકતું નથી.

વિચારનો વેપાર
← પહેલું પ્રકરણઅદ્ભુત અસ્તિત્વ રણનીતિઆગલું પ્રકરણ →જમીની વાસ્તવિકતાનો દ્રષ્ટિકોણ