ઊભા રહો, શું કહ્યું?
સવાલ પૂછતાં પહેલાં આપણે ઉત્તર તૈયાર રાખીએ છીએ. આજના માણસની આ સૌથી ગંદી આદત છે. સામેવાળો વાક્ય પૂરું કરે તે પહેલાં આપણા મગજમાં દલીલ તૈયાર હોય છે. 'વેઇટ, વૉટ?' એટલે કે 'જરા થોભો, શું કહ્યું?' એ કોઈ વ્યાકરણનો અલંકાર નથી. એ બૌદ્ધિક બ્રેક છે. કોઈ ધારણા બાંધી લેતા પહેલાં, કોઈ ફેંસલો સંભળાવતા પહેલાં સ્થિતિને મૂળમાંથી ફરી સ્પષ્ટ કરી લેવાની આ સીધી ટેવ છે.
આ વિચાર હાર્વર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એજ્યુકેશનના ડીન જેમ્સ ઇ. રાયને લોકપ્રિય બનાવ્યો. ૨૦૧૬ના તેમના પ્રખ્યાત દીક્ષાંત પ્રવચનમાં તેમણે જીવનના પાંચ મૂળભૂત સવાલોની વાત કરી હતી, જેમાં સૌથી પહેલો સવાલ આ હતો. પાછળથી તેમણે આ વિષય પર પુસ્તક પણ લખ્યું. વાત સાદી છે: જ્યારે તમે તરત પ્રતિક્રિયા આપવાને બદલે અટકીને પૂછો છો કે અસલમાં શું બન્યું છે, ત્યારે તમે તમારી પોતાની પૂર્વગ્રહયુક્ત માન્યતાઓને વચ્ચે આવતા અટકાવો છો.
આપણે માની લઈએ છીએ કે આપણે બધું સમજી ગયા છીએ. આ અહંકાર જ સૌથી વધુ નુકસાન કરે છે. મોટાભાગના વિવાદો ખોટા જવાબોને કારણે નથી થતા, ખોટી ધારણાઓ પર રચાયેલી ઉતાવળને લીધે થાય છે. એક ક્ષણનો વિરામ અને સ્પષ્ટતા માટે પૂછાયેલો એક ટૂંકો પ્રશ્ન મોટો ભ્રમ ભાંગી નાખે છે. તે સામેવાળાને પણ વિચારવા મજબૂર કરે છે કે તે શું બોલી રહ્યો છે.
કોઈ સરકારી કે ખાનગી હોસ્પિટલના આઈસીયુ બહારનો માહોલ જુઓ. ડૉક્ટર બહાર આવીને કહે કે દર્દીનું ક્રિએટિનાઇન વધી ગયું છે અને તાત્કાલિક મોંઘા ઇન્જેક્શન આપવા પડશે. ગભરાયેલા સગાં તરત હાથ જોડીને સંમતિ આપી દે છે અથવા સીધા વીમા કંપનીના ક્લેમ તરફ દોડે છે. અહીં જરૂર છે શાંતિથી ઊભા રહીને પૂછવાની: 'સાહેબ, ઊભા રહો. સાદી ભાષામાં સમજાવો કે આનો અર્થ શું થાય? આના સિવાય બીજો કોઈ રસ્તો છે?' એક ક્ષણ થોભીને અસલ સ્થિતિ સમજી લેવાની હિંમત ન હોય તો માણસ મેડિકલ બિલ અને આંધળા ગભરાટ બંનેમાં લૂંટાય છે.
ઉતાવળિયો ઉત્તર અહંકારનો પુરાવો છે. જરા અટકીને પૂછાયેલો પ્રશ્ન બુદ્ધિની નિશાની છે.