ટુલોકનો મતદાન વિરોધાભાસ
મતદાન કરવું એ તાર્કિક રીતે નુકસાનનો સોદો છે. અર્થશાસ્ત્રી ગોર્ડન ટુલોકે પબ્લિક ચોઈસ થિયરીમાં આ વરવી વાસ્તવિકતા સામે મૂકી હતી. ગણિત સાવ સીધું છે. લાખો લોકો મત આપતા હોય ત્યારે તમારા એક વોટથી પરિણામ બદલાઈ જવાની સંભાવના લગભગ શૂન્ય છે. સામે પક્ષે, બૂથ સુધી જવાનો સમય, પેટ્રોલ અને ઊર્જાનો ચોક્કસ ખર્ચ થાય છે. છતાં માણસો કતારમાં ઊભા રહે છે. ખર્ચ વાસ્તવિક છે, ફાયદો નહિવત્ છે. આ વિરોધાભાસને ટુલોકનો વોટિંગ પેરાડોક્સ કહે છે.
આ વિચાર માત્ર દેશની સામાન્ય ચૂંટણીઓ પૂરતો સીમિત નથી. સામૂહિક નિર્ણયો લેવાની આખી વ્યવસ્થા પર આ મોટો ઘા છે. માણસ પોતાને મહત્ત્વનો માનવાની ભ્રમણામાં જીવે છે. લોકશાહી કહે છે કે તમારો અવાજ કિંમતી છે, પણ ગણિત કહે છે કે તમારો અવાજ ભીડના ઘોંઘાટમાં કશું જ નથી. જો દરેક વ્યક્તિ સંપૂર્ણ સ્વાર્થી અને તાર્કિક બનીને વિચારવા લાગે, તો કોઈ મતદાન કરવા જ ન જાય. આખી વ્યવસ્થા જ પડી ભાંગે.
આ વિરોધાભાસ આપણા ઘરના રસોડામાં રોજ ભજવાય છે. સંયુક્ત કુટુંબમાં સાંજે જમવામાં શું બનશે તેનો નિર્ણય લોકશાહી ઢબે થતો હોય તેવો ડોળ ચાલે છે. સાસુ, સસરા, દિયર અને પતિદેવ ભેગા બેઠા છે. વહુ પૂછે છે કે આજે રોટલી-શાક કે ખીચડી-કઢી? ધીરુભાઈ જાણે છે કે એમનો અભિપ્રાય આપવાનો કોઈ અર્થ નથી. અંતે તો બા જે કહેશે એ જ બનવાનું છે. પોતાની પસંદ વ્યક્ત કરવામાં ઊર્જા બગાડવી, વાદવિવાદનું જોખમ લેવું એ તદ્દન ખોટનો ધંધો છે. છતાં ઘરની શાંતિ માટે કે ‘હું પણ પરિવારનો ભાગ છું’ તે બતાવવા ધીરુભાઈ પોતાનો મત પધરાવે છે. કિંમત ચૂકવે છે, વળતર શૂન્ય મળે છે.
આપણે પરિણામ બદલવા માટે નહીં, પણ આપણી હાજરી નોંધાવવા માટે મત આપીએ છીએ. કર્તવ્યભાવના એ તર્ક નથી, એક સામાજિક મુખોટો છે. જો તમે પરિણામના આધારે તમારા નિર્ણયનું મૂલ્ય આંકતા હો, તો તમે મૂરખ છો.
જે નિર્ણયમાં તમારા અવાજથી કશો ફેર ન પડતો હોય, ત્યાં બૂમો પાડવી એ માત્ર ફેફસાંનો બગાડ છે.