સ્પિરિચ્યુઅલ બાયપાસિંગ
વાસ્તવિકતા અણગમતી હોય ત્યારે માણસ ભગવાન પાછળ સંતાઈ જાય છે. આત્મખોજ કે અધ્યાત્મ ખરાબ નથી, પણ જ્યારે તે પોતાની અંગત નિષ્ફળતાઓ, ક્રોધ કે અધૂરાં કામોથી ભાગવાનું બહાનું બને ત્યારે એ રોગ છે. વેદના સામે લડવાની હિંમત ન હોય એટલે માણસ સીધો મોક્ષની ભાષા બોલવા માંડે છે. આને સ્પિરિચ્યુઅલ બાયપાસિંગ કહેવાય. સમસ્યાનું મૂળ ઉકેલવાને બદલે તેના પર મોક્ષ, કર્મ કે સદ્ગતિનો સસ્તો ઢોળ ચડાવી દેવો.
આ વિચાર અમેરિકન મનોચિકિત્સક અને બૌદ્ધ શિક્ષક જોન વેલવુડે ૧૯૮૪ની આસપાસ આપ્યો હતો. તેમણે જોયું કે પશ્ચિમના ઘણા સાધકો વર્ષો સુધી ધ્યાન કરતા હતા, પણ તેમનાં અંગત સંબંધો અને મૂળભૂત મનોવૈજ્ઞાનિક ગૂંચવાડાઓ જેમ ના તેમ જ હતા. ધ્યાન એ ઈજામાંથી છૂટવાનું સાધન બનવાને બદલે જવાબદારીમાંથી છટકવાની બારી બની ગયું હતું. ભારતીય સંસ્કૃતિમાં આ બીમારી સદીઓ જૂની છે, જ્યાં ઘર છોડીને ભાગી જનારને ઘણી વાર ત્યાગી માની લેવામાં આવે છે.
આ છેતરામણી વૃત્તિ માણસને નિર્માલ્ય બનાવે છે. કોઈ તમારી સાથે દગો કરે ત્યારે ગુસ્સો થવો સ્વાભાવિક છે. પણ તમે તાત્કાલિક કહી દો કે 'બધું હરિઈચ્છા છે' કે 'આ તો પૂર્વજન્મનું ઋણ હતું', તો તમે સ્થિતપ્રજ્ઞ નથી થયા, તમે કાયર બન્યા છો. મનની ખરી પીડા કે અહંકારનો સામનો કરવા કરતાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચવું હંમેશાં વધુ સહેલું હોય છે. પરિણામે માણસ અંદરથી સડતો રહે છે અને બહારથી સંતનો મુખવટો પહેરીને ફરે છે.
ભારતીય ક્રિકેટમાં આ દ્રશ્ય બહુ સામાન્ય છે. રણજી ટ્રોફીમાં રમતો કોઈ યુવાન બેટ્સમેન સતત શોર્ટ પિચ બોલ પર આઉટ થતો હોય, ત્યારે નેટ્સમાં પસીનો પાડવાને બદલે તે મંદિરના ધક્કા ખાવા માંડે છે. પ્રેસ કોન્ફરન્સમાં આવીને કહે કે 'પરિણામ મારા હાથમાં નથી, હું તો માત્ર પ્રક્રિયા કરું છું, કૃષ્ણ જે કરશે તે સારું કરશે.' ભગવદ્ ગીતાનો આ શ્લોક ટેકનિકલ ખામી છુપાવવાનું કવચ બની જાય છે. ફૂટવર્ક સુધારવું પડે, એના બદલે અગરબત્તી વધારી દેવાથી બાઉન્સર રમતાં આવડી જતું નથી.
જે માણસ પોતાની નબળાઈ સ્વીકારી શકતો નથી, એ ભગવાનની પાછળ લપાઈને ઊભો રહી જાય છે.