← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · માણસ નામનું પ્રાણી

માનસિક વૈવિધ્યની સમૃદ્ધિ

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૨૬૨

સારી જિંદગી એટલે શું? ફિલોસોફી અને મનોવિજ્ઞાન વર્ષોથી આપણને બે જ વિકલ્પો પકડાવતા આવ્યા છે: સુખી જીવન અથવા અર્થપૂર્ણ જીવન. સુખી જીવન એટલે મોજશોખ, આરામ અને કલેશ વગરના દિવસો. અર્થપૂર્ણ જીવન એટલે કોઈ મોટું ધ્યેય, પરિવાર કે સમાજ માટે બલિદાન. પણ એક ત્રીજો રસ્તો છે, જેને મનોવૈજ્ઞાનિક શિગેહિરો ઓઇશી અને એરિન વેસ્ટગેટે એક નવું નામ આપ્યું છે: સાયકોલોજિકલ રિચનેસ. એટલે કે માનસિક વૈવિધ્ય.

આ જીવન આરામદાયક હોવું જરૂરી નથી, ન તો એ કોઈ સંત જેવું પવિત્ર હોવું જરૂરી છે. આ જીવન રસપ્રદ હોવું જોઈએ. એમાં વિવિધતા, અનપેક્ષિત વળાંકો, નાટકીય અનુભવો અને નવી દૃષ્ટિ આપતી ઘટનાઓ હોવી જોઈએ. માનસિક રીતે સમૃદ્ધ માણસ એક જ ઢાંચામાં જીવીને મરતો નથી. તે જોખમ લે છે, નવી જમીનો ખૂંદે છે અને આંચકાઓ સહન કરીને પણ પોતાની સમજણની ક્ષિતિજો મોટી કરે છે.

લોકો ઘણીવાર આખી જિંદગી સુરક્ષિત કૂવામાં કાઢી નાખે છે જેથી દુઃખ ન આવે. પણ સપાટ સપાટી પર ચાલો તો ક્યારેય ઠોકર ન વાગે, સાથે કોઈ નવો રસ્તો પણ ન જડે. આપત્તિ, નિષ્ફળતા કે અણધાર્યા પરિવર્તનો સુખ છીનવી લે છે, પણ તે તમારા મગજને એક અસાધારણ ઊંડાણ આપી જાય છે. જિંદગીના છેલ્લા શ્વાસ વખતે તમે માત્ર એ નથી ગણતા કે કેટલા દિવસ હસ્યા, પણ એ યાદ કરો છો કે તમે કેવાં અજીબ તોફાનોમાંથી પસાર થયા.

આઝાદીની લડતના સમયના સુભાષચંદ્ર બોઝને જુઓ. આઈસીએસની નોકરી છોડી, કોલકાતાથી છૂપી વેશે પેશાવર ભાગ્યા, કાબુલ થઈને જર્મની પહોંચ્યા અને જાપાન જઈને આઝાદ હિન્દ ફોજ બનાવી. આ સુખી જિંદગી નહોતી, કેવળ કષ્ટ હતા. પારિવારિક શાંતિનું તો નામોનિશાન નહોતું. પણ અનુભવની દૃષ્ટિએ એ એટલી પ્રચંડ અને સમૃદ્ધ જિંદગી હતી કે સો સામાન્ય જન્મો પણ એની સામે ટૂંકા પડે.

જે જિંદગીમાં કોઈ વાર્તા કહેવા જેવી ન બચે, એ જિંદગી આરામદાયક ભલે હોય, સાવ કંગાળ કહેવાય.

માણસ નામનું પ્રાણી
← પહેલું પ્રકરણમાનસિક નકામાપણુંઆગલું પ્રકરણ →મનોવૈજ્ઞાનિક પડછાયો