← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · માણસ નામનું પ્રાણી

પોલીઆના સિદ્ધાંત

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૧૬૯

માણસનું મગજ કડવી વાસ્તવિકતા કરતાં મીઠા ભ્રમને સાચવી રાખવામાં માહિર છે. જ્યારે જૂના દિવસો યાદ કરવાના હોય, ત્યારે ખરાબ અનુભવો ભૂંસાઈ જાય છે અને સુખદ યાદો ચમકવા લાગે છે. અર્ધજાગ્રત મન અનુકૂળ અને આનંદદાયક બાબતો તરફ આપોઆપ ઢળી જાય છે. આ વલણને મનોવિજ્ઞાનમાં પોલીઆના સિદ્ધાંત કહે છે. જીવન ગમે તેટલું વિષમ હોય, મગજ ભૂતકાળને ગુલાબી ચશ્મા પહેરાવીને રજૂ કરે છે.

આ વિચાર એલેનોર પોર્ટરની ૧૯૧૩ની નવલકથાના પાત્ર ‘પોલીઆના’ પરથી આવ્યો. તે છોકરી દરેક દુઃખદ પરિસ્થિતિમાં પણ ખુશ રહેવાની રમત રમતી. આગળ જતાં ૧૯૭૮માં મનોવૈજ્ઞાનિક માર્ગારેટ માટલિન અને ડેવિડ સ્ટેંગે પુરાવા સાથે સાબિત કર્યું કે માનવ સ્મૃતિ નકારાત્મક શબ્દો કે ઘટનાઓ કરતાં સકારાત્મક બાબતોને વધુ ઝડપથી અને સચોટ રીતે યાદ રાખે છે. ભાષાથી માંડીને સ્મરણ સુધી, માણસ સુખદ પક્ષ તરફ ઝૂકેલો રહે છે.

આ સિદ્ધાંત જીવવા માટે જરૂરી છે, પણ નિર્ણય લેવા માટે જોખમી. તે માણસને વાસ્તવિક જોખમો ઓળખવામાં આંધળો બનાવે છે. તમે ભૂતકાળની ભૂલો ભૂલી જાવ છો અને માત્ર ક્ષણિક સફળતા યાદ રાખો છો. પરિણામે ખોટા નિર્ણયો વારંવાર દોહરાવાય છે. આશાવાદ જ્યારે હકીકતનો ઇનકાર બની જાય, ત્યારે તે પ્રગતિ નહીં પણ આત્મઘાત સાબિત થાય છે.

દિલ્હીના મુખર્જી નગરમાં કે ગાંધીનગરમાં સરકારી નોકરીની તૈયારી કરતો ઉમેદવાર જુઓ. પાંચ વર્ષથી પ્રિલિમ પણ પાસ નથી થઈ. યુવાનીના કિંમતી વર્ષો હોસ્ટેલની નાની ઓરડીમાં ખર્ચાઈ ગયા. છતાં તે પોતાની જાતને એમ કહીને છેતરે છે કે ‘ગયા વખતે માત્ર બે માર્ક્સ માટે રહી ગયેલું’. તે પોતાની નબળાઈઓ, ખોવાયેલા વર્ષો અને સ્પર્ધાની ક્રૂરતા ભૂલી જાય છે. તેને માત્ર એ એક નાની આશા યાદ રહે છે કે આ વખતે લાલ બત્તીવાળી ગાડી મળશે. અવાસ્તવિક આશાવાદ જિંદગી બગાડી નાખે છે.

ભૂતકાળ હંમેશાં સુંદર જ દેખાય છે, કારણ કે મગજ કચરો કચરાપેટીમાં નાખીને માત્ર ફૂલો ગણવાની ટેવ ધરાવે છે.

માણસ નામનું પ્રાણી
← પહેલું પ્રકરણવિવેકનો વિરોધાભાસઆગલું પ્રકરણ →પોલીક્રોનિક ટેકનોલોજી