અતિ-આશાવાદનો પૂર્વગ્રહ
આપણે બધા માનીએ છીએ કે ખરાબ વસ્તુઓ ફક્ત બીજા લોકો સાથે જ બને છે. કેન્સર પેલા પાડોશીને થાય, આપણને નહીં. શેરબજાર તૂટે ત્યારે પેલા અજાણ્યા રોકાણકારો ડૂબે, આપણો પોર્ટફોલિયો તો સાચવી લેશે. આ માનસિક ભ્રમને અતિ-આશાવાદનો પૂર્વગ્રહ કહે છે. માણસ પોતાના સારા ભવિષ્યની સંભાવનાને અતિશય વધારે આંકી લે છે અને ખરાબ પરિણામોનું જોખમ સાવ હવામાં ઉડાવી દે છે. વાસ્તવિકતા ગમે તેટલી કડવી હોય, મગજ ગુલાબી ચશ્મા ઉતારવા તૈયાર નથી થતું.
આ વિચાર મનોવિજ્ઞાનમાં નીલ વાઈનસ્ટીને ૧૯૮૦ના દાયકામાં સ્થાપિત કર્યો અને પાછળથી ન્યુરોસાયન્ટિસ્ટ તાલી શેરોટે મગજના સ્કેન દ્વારા સાબિત કર્યો. માણસનું મગજ વાસ્તવિક માહિતી કરતાં આશાવાદી કલ્પનાઓ પર ઝડપથી ભરોસો કરી લે છે. આ કોઈ સામાન્ય પોઝિટિવ થિંકિંગ નથી, પણ એક જૈવિક ખુશફેમી છે. ઉત્ક્રાંતિની દૃષ્ટિએ આ ભ્રમે કદાચ આદિમાનવને જીવતો રાખ્યો હશે, પણ આધુનિક દુનિયામાં એ સીધા ખાડામાં ઉતારે છે.
આ પૂર્વગ્રહનું સૌથી મોટું નુકસાન એ છે કે માણસ તૈયારી કરવાનું ભૂલી જાય છે. હેલ્મેટ વગર બાઇક ચલાવતો યુવાન એવું જ માને છે કે અકસ્માત બીજાનો જ થશે. ટર્મ ઇન્સ્યોરન્સ ન લેતો પારિવારિક પુરુષ માને છે કે તેનું આયુષ્ય સો વર્ષનું છે. ધંધામાં નુકસાન થશે એવો વિચાર પણ ન કરવો એ બહાદુરી નથી, પણ મૂર્ખાઈ છે. સાચો જોખમ વ્યવસ્થાપક હંમેશાં આ આશાવાદની સામે ઊભો રહીને નિર્ણયો લે છે.
ભારતીય રાજકારણમાં આ ભ્રમ સૌથી નગ્ન સ્વરૂપે જોવા મળે છે. ચૂંટણીની આગલી રાત સુધી હારનારો ઉમેદવાર પણ પોતાની જીતના દાવા કરતો હોય છે. રેલીઓમાં આવેલી ભાડૂતી ભીડને તે સાચો જનસમર્થન માની બેસે છે. ગ્રાઉન્ડ રિયાલિટી કહેતી હોય કે જનતા નારાજ છે, છતાં નેતા અને તેના ચમચાઓ 'અંડરકરન્ટ'ના નામે પોતાની બેઠક પાકી સમજીને ફટાકડાનો ઓર્ડર આપી દે છે. મતગણતરીના દિવસે પરિણામ આવે ત્યારે ડિપોઝિટ પણ જપ્ત થઈ ચૂકી હોય છે.
આશા માણસને જીવાડે છે, પણ અતિ-આશાવાદ તેને સીધો કબર સુધી દોરી જાય છે.