આશાવાદની જાળ
આશા સસ્તી ચીજ છે, પણ તેનો અતિરેક બહુ મોંઘો પડે છે. ભવિષ્ય સારું જ થશે એવું માની લેવું એ હિંમત નથી, ભોળપણ છે. સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં આ ખ્યાલને 'ઑપ્ટિમિઝમ ટ્રેપ' કહે છે. માણસ જ્યારે વાસ્તવિકતા અને ક્ષમતા કરતાં પોતાની મહત્ત્વાકાંક્ષાને વધુ વજન આપે છે, ત્યારે તે હાથવગા ફાયદા છોડીને આકાશી મહેલ બનાવવા દોડે છે. પરિણામે હાથમાં કશું આવતું નથી અને પતન નિશ્ચિત બને છે.
સમાજશાસ્ત્રી જેસ્પર ડાગ ત્યાદેન અને ક્રિશ્ચિયન હુંકલરે વર્ષ ૨૦૧૭માં યુરોપના શિિક્ષત વર્ગ અને ઇમિગ્રન્ટ્સ પરના સંશોધનમાં આ પદ લોકપ્રિય બનાવ્યું. એમણે જોયું કે પરદેશ ગયેલા પરિવારો પોતાનાં સંતાનો માટે અત્યંત ઊંચા શૈક્ષણિક સપનાં જુએ છે. વ્યવહારુ ટેકનિકલ તાલીમ કે રોજગાર આપતા સાદા રસ્તાઓને તેઓ હલકા ગણે છે. પરિણામે છોકરાઓ ગજા બહારની પદવીઓ પાછળ દોડે છે, અધવચ્ચે નાપાસ થાય છે અને બેકાર બનીને બેસી જાય છે. ઊંચી આશા જ એમનો ખાડો ખોદે છે.
આ છટકું માણસના આત્મવિશ્વાસને મોતિયો બનાવી દે છે. જોખમ દેખાતું બંધ થઈ જાય છે. લોકો સામાન્ય સંકેતોને ગણકારતા નથી કારણ કે તેમને લાગે છે કે તેમની સાથે ક્યારેય ખોટું નહીં થાય. ધંધામાં ખોટ જતી હોય તો પણ વેપારી માનતો રહે છે કે આવતો મહિનો બધું સરભર કરી દેશે. આશા એ અફીણ છે. એ દુઃખ ભુલાવી દે છે, પણ રોગ મટાડતી નથી.
આપણો એનઆરઆઈ સમાજ આનું ઉત્તમ ઉદાહરણ છે. મહેસાણા કે આણંદથી લાખો રૂપિયાનું દેવું કરીને કેનેડા કે લંડન ગયેલા પપ્પા પોતાના દીકરાને સીધો મોટો એન્જિનિયર કે વકીલ જ જોવા માંગે છે. સ્થાનિક પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિશિયન કે ટેક્નિકલ કામમાં મહિને લાખો રૂપિયાની કમાણી છે, પણ ના, સ્ટેટસ જોઈએ છે. દીકરો ફાઈનાન્સ કે આઈટીની મોંઘી કૉલેજમાં એડમિશન લે છે. પરિણામ એ આવે છે કે ભણતર પૂરું થતું નથી, ડિગ્રી મળતી નથી અને છેવટે ગૅસ સ્ટેશન પર કેશિયર તરીકે ઊભા રહેવું પડે છે.
જમીન પર પગ રાખીને જીવવું એ કાયરતા નથી, આંધળા આશાવાદથી બચવાની એકમાત્ર દવા છે.