માયા સિદ્ધાંત
માણસને નવું જોઈએ છે, પણ સાવ અજાણ્યું પચતું નથી. આ માનસિક ખેંચતાણમાંથી એક નિયમ જન્મ્યો: માયા સિદ્ધાંત (MAYA: મોસ્ટ એડવાન્સ્ડ યેટ એક્સેપ્ટેબલ). અર્થ સાદો છે. ડિઝાઇન કે વિચાર એટલો આધુનિક હોવો જોઈએ જેટલો લોકો સહેલાઈથી સ્વીકારી શકે. જો તમે ભવિષ્યમાં બહુ આગળ દોડી જશો તો પાગલ ગણાશો. જો સાવ જૂનું પકડી રાખશો તો કંટાળાજનક લાગશો. સફળતા એ બંનેની બરાબર વચ્ચે ઊભી છે.
આ વિચાર આપનાર વીસમી સદીના જાણીતા ઔદ્યોગિક ડિઝાઇનર રેમન્ડ લોવી હતા. કોકા-કોલાની બોટલથી માંડીને પેન્સિલવેનિયા રેલરોડના એન્જિન ડિઝાઇન કરનાર લોવીએ સમજાવ્યું કે ગ્રાહક બે વિરોધી બળો વચ્ચે ઝૂલે છે. એક તરફ નવીનતાનું આકર્ષણ છે અને બીજી તરફ અજાણી વસ્તુઓનો ડર. તેથી પરિચિત વાતાવરણમાં થોડુંક જ નવું ઉમેરો. ઓળખીતા માળખામાં નવો સ્વાદ આપો. ક્રાંતિ નહીં, ઉત્ક્રાંતિ વેચાય છે.
આ નિયમ ફક્ત પ્રોડક્ટ ડિઝાઇન કે સ્માર્ટફોન પૂરતો નથી. આખી માનવસંસ્કૃતિ આ સિદ્ધાંત પર ટકેલી છે. આપણું મગજ ટેવાયેલી વ્યવસ્થા તૂટતાં ગભરાય છે. તમે ઓફિસમાં સાવ નવી કાર્યપદ્ધતિ એક ઝાટકે લાદી દેશો તો બળવો થશે. પણ જો જૂની ફાઇલિંગ સિસ્ટમનું નામ રાખીને અંદર ડિજિટલ ફેરફાર કરશો તો કોઈ વિરોધ નહીં કરે. પરિવર્તનને હંમેશાં પરિચિતતાનો મહોરો પહેરાવવો પડે છે.
આપણા ઘરસંસારમાં સાસુ-વહુના સંબંધો આ જ સિદ્ધાંતથી ઉકલે છે. સાસરે આવેલી નવી વહુ પહેલા જ અઠવાડિયે રસોડાની સદીઓ જૂની પદ્ધતિ ઉથલાવી નાખે તો ઘરમાં યુદ્ધ ફાટી નીકળે. સ્માર્ટ વહુ એ છે જે માયા સિદ્ધાંત વાપરે. તે વઘાર તો સાસુમાની જૂની પદ્ધતિથી જ કરે છે, માત્ર સાથે એક આધુનિક સલાડ પીરસી દે છે. સાસુ ખુશ થાય છે કે વહુ આપણી રીતભાત સાચવે છે, અને વહુ ધીમે ધીમે પોતાનો સ્વાદ સ્થાપી દે છે. વિરોધ વગર ક્રાંતિ કરવાની આ દેશી ટેકનિક છે.
દુનિયાને સંપૂર્ણ સત્ય નથી જોઈતું, જૂના જૂઠાણામાં સહેજ નવો રંગ પૂરીને આપો એટલે તાળીઓ પડશે.