← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · અક્કલના નિયમો

મૂર્ખામીના મૂળભૂત નિયમો

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૧૦૯

દુનિયામાં બદમાશો કરતા મૂર્ખાઓ વધુ નુકસાન કરે છે. ચોર ચોરી કરે ત્યારે તેનો ખુદનો કંઈક ફાયદો થાય છે. બદમાશ પોતાના નફા માટે બીજાનું નુકસાન કરે છે. પણ મૂર્ખ માણસ એક અનોખું પ્રાણી છે. એ બીજાનું નુકસાન કરે છે અને સાથે પોતાનો પણ કશો ફાયદો કરતો નથી. ઊલટાનું, પોતાને પણ ખાડામાં ધકેલે છે. ઈટાલિયન અર્થશાસ્ત્રી કાર્લો સિપોલ્લાએ ૧૯૭૬માં એક નિબંધ લખ્યો હતો, જેમાં તેમણે માનવ મૂર્ખામીના પાંચ અફર નિયમો આપ્યા હતા. તેમનો મુખ્ય તારણ એ હતો કે સમાજ હંમેશાં મૂર્ખ લોકોની સંખ્યા અને તેમની વિનાશક ક્ષમતાને ઓછી આંકીને મોટી ભૂલ કરે છે.

સિપોલ્લાના મતે માણસો ચાર પ્રકારના હોય છે: લાચાર, બુદ્ધિશાળી, બદમાશ અને મૂર્ખ. બુદ્ધિશાળી એ છે જે પોતાનો પણ ફાયદો કરે અને સમાજનો પણ. લાચાર પોતાનું નુકસાન કરીને બીજાને તારે છે. બદમાશ બીજાનું લૂંટીને પોતાનું ઘર ભરે છે. પણ ચોથો વર્ગ સૌથી ખતરનાક છે. મૂર્ખાઈનું કોઈ તર્ક હોતું નથી. મૂર્ખ માણસ ક્યારે, ક્યાં અને કયા રસ્તે તમારો દાટ વાળશે તેની કોઈ આગાહી કરી શકાતી નથી. ડિગ્રી, હોદ્દો કે અઢળક સંપત્તિ પણ માણસને મૂર્ખ બનતાં રોકી શકતી નથી.

આ નિયમ સમજવો હોય તો કોઈ મોટા સંયુક્ત કુટુંબની મિલકતની વહેંચણી જુઓ. ધારો કે પરિવારમાં ત્રણ ભાઈઓ છે. બે ભાઈઓ શાણા છે અને હિસાબ પતાવીને શાંતિથી પોતપોતાનો હિસ્સો લઈ અલગ થવા માંગે છે. પણ ત્રીજો ભાઈ અસલી મૂર્ખ છે. તેને પોતાના હિસ્સામાં રસ નથી, બસ બીજાનું કામ અટકાવવું છે. એ વડીલોપાર્જિત જમીન પર કારણ વિના કોર્ટમાં દાવો ઠોકી દે છે. વકીલોની ફી ભરવામાં પોતાની બચત ફૂંકી મારે છે. વીસ વર્ષ સુધી કેસ ચાલે છે. જમીન વેચાતી નથી, ભાઈઓ પાયમાલ થાય છે અને છેલ્લે એ પોતે પણ ભાડાના મકાનમાં આવી જાય છે. જો એ બદમાશ હોત તો આખી મિલકત પોતાના નામે કરીને પૈસાદાર બની ગયો હોત. પણ એ મૂર્ખ હતો, એટલે બધાને સાથે લઈને ડૂબ્યો.

આપણે માનીએ છીએ કે દુષ્ટ લોકોથી સાવચેત રહેવું પૂરતું છે. એ સાચું નથી. દુષ્ટ માણસની ચાલ પકડી શકાય છે, કારણ કે તેના નિર્ણયો પાછળ પોતાનો સ્વાર્થ હોય છે. મૂર્ખ પાસે સ્વાર્થનું ગણિત પણ નથી હોતું. એ પોતાની આંગળી કાપીને તમારો હાથ કાપવા તૈયાર થઈ જાય છે. મૂર્ખામી સામે કોઈ દલીલ, કોઈ તર્ક કે કોઈ સમાધાન કામ નથી કરતું. આવા લોકોને સુધારવાની કોશિશ કરવી એ પણ એક પ્રકારની મૂર્ખામી જ છે.

બદમાશથી બચવા કાયદો છે, પણ મૂર્ખથી બચવા માત્ર એક જ રસ્તો છે: દોડીને દૂર ભાગી જવું.

અક્કલના નિયમો
← પહેલું પ્રકરણવિરાટ આંકડાઓનો નિયમઆગલું પ્રકરણ →આળસનો વહેમ