← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · મગજનો નકશો

ભાવનાત્મક રસીકરણ

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૨૮૨

શરીરને વાયરસથી બચાવવા માટે આપણે રસી લઈએ છીએ. થોડો નબળો વાયરસ અગાઉથી લોહીમાં ઉતારીએ, જેથી ભવિષ્યના મોટા હુમલા સામે એન્ટિબોડી તૈયાર રહે. મનનું પણ આવું જ છે. ભાવનાત્મક રસીકરણ એટલે કોઈ મુશ્કેલ કે તણાવપૂર્ણ પરિસ્થિતિ આવે તે પહેલાં જ વ્યક્તિને સંભવિત અસ્વસ્થતા કે નિરાશાની આગોતરી માનસિક ઝલક આપવી. સંકટ સમયે અચાનક સ્તબ્ધ થઈ જવાને બદલે, મનને અગાઉથી લડવા માટે તૈયાર કરી દેવું.

આ વિચાર જાણીતા અમેરિકન ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડૉ. બેકી કેનેડીએ તેમના પુસ્તક ‘ગુડ ઇનસાઇડ’માં રજૂ કર્યો છે. શરૂઆતમાં આ વાત બાળકોના ઉછેર માટે ઘડાઈ હતી. બાળકને મુશ્કેલ પરિસ્થિતિ સામે ખોટા દિલાસા આપવાને બદલે અગાઉથી કહો કે ત્યાં શું અગવડ પડશે. જ્યારે અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનો ખાડો અગાઉથી ભરી દેવાય, ત્યારે આંચકો ઓછો લાગે છે.

આપણે ત્યાં મોટે ભાગે લોકોને મીઠા જૂઠથી સાંત્વના આપવાની આદત છે. “બધું સારું થઈ જશે, તું ચિંતા ન કર,” એવો સસ્તો આશ્વાસન વાસ્તવમાં નુકસાન કરે છે. જ્યારે ખરેખર મુશ્કેલી માથે પડે, ત્યારે માણસ પડી ભાંગે છે. ભાવનાત્મક રસીકરણ આ જૂઠાણાંને નકારે છે. એ કહે છે કે મુશ્કેલીને અગાઉથી સ્પષ્ટ ભાષામાં નામ આપો. નકારાત્મક લાગણીનો સ્વીકાર પહેલેથી જ કરી લેવાથી મન તેની સાથે સહજ થઈ જાય છે.

નવરાત્રિના ઉત્સવમાં સોસાયટીના આયોજકો દર વર્ષે એક જ ભૂલ કરે છે. સ્વયંસેવકોને માત્ર ઉત્સાહના ભાષણો અપાય છે. પરિણામે, નવમા નોરતે રાત્રે જ્યારે પાર્કિંગમાં માથાકૂટ થાય કે વરસાદ પડે, ત્યારે યુવાનો કંટાળીને ઝઘડી પડે છે. તેના બદલે સમજદાર સેક્રેટરી ઉત્સવ શરૂ થાય તે પહેલાં જ ટીમને બેસાડીને ભાવનાત્મક રસી આપે: “સાંભળો, આ નવ દિવસમાં આપણી મહેનત છતાં લોકો બૂમો પાડશે. વડીલો નારાજ થશે. ડીજે બંધ થશે ત્યારે લોકો આપણને ગાળો આપશે. એ બધું સહન કરવું પડશે.” જ્યારે આ વાત અગાઉથી મનમાં બેસી જાય, ત્યારે ખરેખર કટોકટી આવે ત્યારે કોઈનું લોહી ઊકળતું નથી.

જે દર્દની કલ્પના તમે અગાઉથી કરી લીધી હોય, તે વાસ્તવમાં આવીને ક્યારેય તમારો જીવ લઈ શકતું નથી.

મગજનો નકશો
← પહેલું પ્રકરણઇમોજી મોડેલઆગલું પ્રકરણ →વિરોધાભાસી પલટો