એલિઝા ઇફેક્ટ
મશીન માત્ર ગણતરી કરે છે, પણ માણસ તેમાં જીવ શોધી લે છે. કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાતા થોડાક શબ્દો પાછળ આપણે લાગણી, સમજણ અને આત્મા કલ્પી લઈએ છીએ. આ મનોવૈજ્ઞાનિક ભ્રમણાને વિજ્ઞાનમાં 'એલિઝા ઇફેક્ટ' કહે છે. સામે પક્ષે માત્ર એક નિર્જીવ કોડિંગ કે અલ્ગોરિધમ કામ કરતું હોય છે, છતાં આપણું મન માની લે છે કે સામે કોઈ જીવતો જાગતો માણસ બેઠો છે જે આપણું દર્દ સમજે છે.
આ નામ ૧૯૬૬માં એમઆઈટીના પ્રોફેસર જોસેફ વાઈઝનબૉમે બનાવેલા 'એલિઝા' નામના પ્રોગ્રામ પરથી આવ્યું. એ પ્રોગ્રામ માત્ર દર્દીના જ વાક્યોને ઉલટાવીને પ્રશ્ન તરીકે પાછા ફેંકતો હતો. છતાં વાઈઝનબૉમની સેક્રેટરી સહિત સેંકડો લોકો એ કમ્પ્યુટર સાથે અંગત વાતો વહેંચવા લાગ્યા અને માનવા લાગ્યા કે આ મશીન તેમને ખરેખર સમજે છે. વાઈઝનબૉમ પોતે આ જોઈને ડઘાઈ ગયા હતા.
આપણે એકલા પડી ગયેલી પ્રજા છીએ. આપણને કોઈ સાંભળે તેટલું પૂરતું છે, પછી ભલે તે સ્ક્રીન પર ચાલતો એક નિર્જીવ રોબોટ કેમ ન હોય. મશીન ક્યારેય થાકતું નથી અને સાંભળવાની આ કુશળતા વેચે છે. મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે માણસ પોતાની નિર્ણાયક બુદ્ધિ સોફ્ટવેરના ભરોસે છોડી દે છે. અલ્ગોરિધમ પાસે માત્ર ડેટા હોય છે, દયા કે ડહાપણ નહીં.
ધારો કે અશ્વિનભાઈ ચારધામ યાત્રાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ટ્રાવેલ કંપનીની એપ પર 'ટ્રાવેલ આસિસ્ટન્ટ' નામનો ચેટબોટ ખૂલે છે. બોટ લખે છે, 'નમસ્તે અશ્વિનભાઈ, તમારા ઘરડાં મા-બાપ સાથે યાત્રા કરવી અઘરી છે, હું તમારી ચિંતા સમજી શકું છું.' અશ્વિનભાઈ ગદગદ થઈ જાય છે. તેમને લાગે છે કે કંપનીનો કોઈ સંવેદનશીલ મેનેજર તેમની કાળજી લઈ રહ્યો છે. તેઓ ખચકાટ વિના દોઢ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દે છે. વાસ્તવમાં ત્યાં કોઈ માસ્તર નહોતો, માત્ર બે લાઈનનો શુષ્ક કોડ હતો જેણે 'ઘરડાં મા-બાપ' શબ્દ પકડીને તૈયાર જવાબ ફેંક્યો હતો.
મશીન કોઈ દિવસ કોઈનું સગું નથી થતું; માણસ જ અરીસા સામે ઊભા રહીને બીજા કોઈને શોધવાની ભૂલ કરે છે.