← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · મગજનો નકશો

તાજા વિરોધનો ચેપ

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૧૩૦

આ એક વિચિત્ર માનસિક રોગ છે. સોશિયલ મીડિયાના પડદા પર અચાનક એક મુદ્દો પ્રગટ થાય છે. આખો શિક્ષિત વર્ગ પોતાના બધા કામ પડતા મૂકીને એ મુદ્દા પાછળ દોડે છે. ડીપી બદલાઈ જાય છે. ગુસ્સાથી ભરેલા સ્ટેટસ લખાય છે. ગઈ કાલ સુધી જે વાતનું અસ્તિત્વ નહોતું, તે આજે પૃથ્વીની સૌથી ગંભીર કટોકટી બની જાય છે. પછી એકાદ અઠવાડિયામાં નવી ઘટના આવે છે. જૂનો વિરોધ કચરાપેટીમાં ફેંકાઈ જાય છે. આ વિચારને 'કરંટ થિંગિઝમ' કહે છે.

આ શબ્દ અમેરિકન લેખક એડમ એલ્વાંગરે ૨૦૨૨માં વાપર્યો હતો. એમણે જોયું કે સુધરેલો સમાજ સ્વતંત્ર વિચારવાની શક્તિ ગુમાવી બેઠો છે. મીડિયા અને ડિજિટલ મંચો જે થાળી પીરસે, એ જ આંગળી ચાટીને ખાઈ લેવાની વૃત્તિ વધી ગઈ છે. કોઈ મુદ્દાનું ઊંડાણ તપાસવાની કોઈની તૈયારી નથી. દરેક વ્યક્તિને માત્ર ટોળાનો ભાગ બનીને પોતાનું નૈતિક સર્ટિફિકેટ સાબિત કરવું છે. આમાં ન્યાયની ચિંતા ઓછી અને બીજા કરતાં વધારે સજ્જન દેખાવાની હોડ વધુ હોય છે.

આ વૃત્તિ વ્યક્તિને વિચારહીન ઘેટું બનાવી દે છે. તમારા પોતાના કયા મૂલ્યો છે, એ તમને પોતાને ખબર નથી હોતી. તમે અલ્ગોરિધમના ગુલામ છો. જે વાત ટ્રેન્ડિંગ છે, એ જ તમારો ધર્મ બની જાય છે. જે લોકો આ નવા ટ્રેન્ડમાં સુર પુરાવતા નથી, એમને અછૂત માનીને સામાજિક રીતે અલગ પાડી દેવામાં આવે છે. સવાલ પૂછવાની મનાઈ છે. માત્ર લાઈનમાં ઊભા રહીને નારા લગાવવાના છે.

બોલિવૂડ આ નાટકનું પાક્કું અડ્ડો છે. મુંબઈના વાતાનુકૂલિત સ્ટુડિયોમાં બેઠેલા ફિલ્મસ્ટારો અચાનક કોઈ પર્યાવરણ કે વિદેશી આંદોલનના પ્લેકાર્ડ પકડીને ઊભા રહી જાય છે. એમને નદીનું નામ ખબર ન હોય, પણ વૃક્ષો બચાવવાનું લેક્ચર આપી દેશે. પાંચ દિવસ પછી નવી ફેશન આવે એટલે જૂનો કકળાટ ભૂલાઈ જાય છે. ગઈ કાલે જે મુદ્દા માટે આંસુ સારતા હતા, આજે એનું નામ સુદ્ધાં યાદ નથી હોતું. આ કોઈ ક્રાંતિ નથી, સસ્તી પ્રસિદ્ધિ માટે પહેરેલો નૈતિકતાનો મુખવટો છે.

જે લોકો દર અઠવાડિયે પોતાનો અંતરાત્મા બદલે છે, એમની પાસે કોઈ સિદ્ધાંત નથી હોતો, માત્ર નવો ટ્રેન્ડ હોય છે.

મગજનો નકશો
← પહેલું પ્રકરણજિજ્ઞાસાની ક્ષણિક સ્થિતિઆગલું પ્રકરણ →જ્ઞાનનો અભિશાપ