મરઘીની આગમનવાદી વિચારસરણી
એક મરઘી દરરોજ સવારે ખેડૂતને જુએ છે. ખેડૂત આવે છે, વાટકી ભરીને દાણા નાખે છે અને પ્રેમથી પીઠ થાબડે છે. પહેલા દિવસે મરઘી સાવધ હતી. સોમા દિવસે તેનો ભરોસો મજબૂત બન્યો. નવસો નવ્વાણુંમા દિવસે મરઘી સંપૂર્ણ વૈજ્ઞાનિક દાવા સાથે માની લે છે કે આ માણસ જગતનો સૌથી મોટો દયાળુ છે અને તે માત્ર મને ખવડાવવા જ પૃથ્વી પર આવ્યો છે. પછી આવે છે હજારમો દિવસ. તહેવારની સવાર પડે છે. ખેડૂત ફરી આવે છે, પણ આ વખતે હાથમાં દાણા નથી. હાથમાં છરી છે. આ ક્ષણે મરઘીની જિંદગી સાથે તેના તમામ બુદ્ધિશાળી તર્કોનો પણ એક ઝાટકે અંત આવી જાય છે.
આ રૂપક ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલે આપેલું. આધુનિક સમયમાં નાસીમ તાલેબે આને કાળા હંસના વિચાર સાથે જોડીને ફરી લોકપ્રિય બનાવ્યું. આને આગમનવાદી તર્ક કહે છે. ભૂતકાળના સેંકડો અનુભવો ભેગા કરીને ભવિષ્યનો એક સાચો નિયમ બનાવી લેવો. આપણે રોજ સૂરજ ઊગતો જોઈએ છીએ, એટલે ધારી લઈએ છીએ કે તે કાલે પણ ઊગશે જ. આપણી મુશ્કેલી એ છે કે આપણા માટે ભૂતકાળ જ એકમાત્ર સત્ય છે. જ્યાં સુધી કશું ખરાબ બન્યું નથી, ત્યાં સુધી આપણે માની લઈએ છીએ કે ખરાબ ક્યારેય બની જ ન શકે.
આ માનસિકતા સત્તા અને ધંધામાં સૌથી મોટું અંધાપો લાવે છે. જે પરિસ્થિતિ આજે સામાન્ય લાગે છે, એ કાલે સ્મશાન બની શકે છે. ભૂતકાળની સલામતી ભવિષ્યની ગેરંટી નથી હોતી, ઊલટાનું એ ઘણીવાર આવનારા વિનાશ માટે તૈયાર કરેલું પાંજરું હોય છે. તમે જેટલા વધુ દિવસ કોઈ જોખમ વગર જીવો છો, તે જોખમ અદૃશ્ય થતું નથી; એ માત્ર મોટું અને અચાનક ત્રાટકવા માટે શક્તિ ભેગી કરતું હોય છે.
ભારતના દેશી રાજા-રજવાડાં આ મરઘીવાળા તર્કના જીવતાજાગતા પુરાવા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપની આવી ત્યારે નવાબો અને રાજાઓને લાગ્યું કે આ તો સીધા-સાદા વેપારીઓ છે. દર વર્ષે સલામી ભરે છે, વેપાર વધારી આપે છે અને હથિયારો આપીને પડોશી રજવાડા સામે રક્ષણ પણ આપે છે. સો વર્ષ સુધી રાજાઓને દાણા મળતા રહ્યા. રાજાઓને વહેમ હતો કે અંગ્રેજો આપણા મહેરબાન છે. પછી એક સવારે ડેલહાઉસી આવ્યો. ખાલસા નીતિ લાગુ થઈ. કલમના એક લસરકે રજવાડાં ખતમ થઈ ગયાં. દાણા આપતો ખેડૂત અચાનક કસાઈ બની ગયો.
જે હાથ તમને રોજ નિયમિતપણે ખવડાવે છે, એ જ હાથ તમારી ગરદન મરડવા માટે સૌથી નજીક હોય છે.