← મુખપૃષ્ઠ · કાર્ય અને ઉત્પાદકતા

2Ps vs 4Ps: ચાર 'P' ચોપડીમાં, બે 'P' બજારમાં

૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬નિબંધ

**2Ps vs 4Ps: ચાર 'P' ચોપડીમાં, બે 'P' બજારમાં**

પરાગ રતનપરા

MBAના પહેલા વર્ષમાં પ્રોફેસર બોર્ડ પર ચાર 'P' લખે છે: Product, Price, Place, Promotion. માલ સારો બનાવો, ભાવ વાજબી રાખો, ગ્રાહક સુધી પહોંચાડો, અને પછી ઢોલ વગાડો. વિદ્યાર્થી નોટમાં ઉતારે છે, પરીક્ષામાં ઓકી નાખે છે, અને ડિગ્રી લઈને બજારમાં આવે છે. બજારમાં આવીને ખબર પડે છે કે અહીં તો બે જ 'P' ચાલે છે: Promotion અને Packaging. બાકીના બે પેન્શન પર ઊતરી ગયા છે.

દિવાળીનું મીઠાઈનું બોક્સ યાદ કરો. બહાર મખમલ, સોનેરી રિબન, અંદર રેશમી કાગળ. અને એની અંદર ચાર કાજુકતરી, જેની જાડાઈ જોઈને લાગે કે કંદોઈએ કાજુ નહીં, કાજુનો ફોટો વાપર્યો છે. બોક્સ મીઠાઈ કરતાં મોંઘું છે. આપણને ખબર છે. છતાં આપણે એ જ ખરીદીએ છીએ, કારણ કે ભેટ સામેવાળાની જીભ માટે નથી, એની આંખ માટે છે.

કોચિંગ ક્લાસનું હોર્ડિંગ જુઓ. સુડતાલીસ ટોપરના ફોટા. એમાંનો એક છોકરો શહેરના ત્રણ જુદા ક્લાસના હોર્ડિંગ પર હસી રહ્યો છે. બિચારો ભણ્યો ક્યારે હશે એ સંશોધનનો વિષય છે. અંદર કોણ ભણાવે છે, કેવું ભણાવે છે, એ કોઈ પૂછતું નથી. વાલી હોર્ડિંગની સાઇઝ જોઈને ફી ભરે છે.

અને આપણો લગ્નનો બાયોડેટા? એ તો ભારતનું સૌથી જૂનું બ્રોશર છે. "છોકરો સંસ્કારી, નિર્વ્યસની, વેલ સેટલ્ડ." "છોકરી ઘરરખ્ખુ, સુશીલ, આધુનિક વિચારોવાળી પણ પરંપરા જાળવે એવી." ફોટો સ્ટુડિયોમાં, લાઇટ ઉધારની, સ્મિત ભાડાનું. પ્રોડક્ટની સાચી ઓળખ લગ્ન પછી થાય છે, અને આ એક જ બજાર એવું છે જ્યાં રિટર્ન પોલિસી નથી.

LinkedIn ખોલો. દરેક માણસ "Visionary | Thought Leader | Storyteller" છે. આખા દેશમાં કોઈ સામાન્ય કર્મચારી બચ્યો જ નથી. કામ પૂછો તો એક્સેલ શીટ ફોરવર્ડ કરવાનું. પણ પ્રોફાઇલ વાંચો તો લાગે કે ભાઈ રોજ સવારે ઊઠીને ઉદ્યોગજગતનું પરિવર્તન કરે છે. (હા, આ લેખની નીચે પણ હેશટેગ છે. હું કંઈ સંત નથી.)

રાજકારણમાં તો બે 'P'ની યુનિવર્સિટી ચાલે છે. પુલ પછી બને, ઉદ્ઘાટન પહેલાં થાય. ઘણી વાર ઉદ્ઘાટનની રિબન પુલ કરતાં વધારે મજબૂત નીકળે છે.

મજાની વાત એ છે કે આપણે બધા આની ફરિયાદ કરીએ છીએ. "આજકાલ બધું માર્કેટિંગ છે, સાહેબ! માલમાં દમ જ નથી." અને આટલું બોલીને આપણે એ જ શેમ્પૂ ઉપાડીએ છીએ જે હિરોઇનના હાથમાં હતું. એ જ ડૉક્ટર પાસે જઈએ છીએ જેનું વેઇટિંગ રૂમ ફાઇવ સ્ટાર જેવું છે. એ જ બાબાને પગે લાગીએ છીએ જેનો મંચ સૌથી ઊંચો છે. વેપારી મૂરખ નથી. આપણે જે ખરીદીએ એ જ એ બનાવે. આપણે રેપર ખરીદીએ છીએ, એટલે એ રેપરમાં રોકાણ કરે છે. ગુનેગાર શોધવો હોય તો અરીસો પૂરતો છે.

એક જમાનામાં ગામમાં ખમણની એક દુકાન હતી. બોર્ડ નહોતું, નામ નહોતું, સવારે સાત વાગ્યે લાઇન હતી. માલ પોતે જ જાહેરાત હતો. આજે પહેલાં લોગો બને છે, પછી ઇન્સ્ટાગ્રામ પેજ, પછી ઇન્ફ્લુએન્સરની રીલ, અને છેલ્લે કોઈને યાદ આવે છે કે અરે, ખમણ બનાવવાવાળો તો રાખ્યો જ નથી.

ચાર 'P' એટલે ચાર પાયાનું ટેબલ. આપણે બે પાયા કાઢી નાખ્યા છે અને એને "મિનિમલિસ્ટ ડિઝાઇન" કહીએ છીએ. બે પાયા પર બેસી શકાય, પણ બહુ લાંબું નહીં. અને ચિંતા ન કરો, પડીશું ત્યારે પણ પોસ્ટ તો મૂકીશું જ: "નિષ્ફળતામાંથી મળેલી પાંચ શીખ."

**સાચી પણ વિચિત્ર હકીકતો (Real but Weird Facts)**

- 4Psનો ખ્યાલ 1960માં ઇ. જેરોમ મેકાર્થીએ આપ્યો. એ પહેલાં નીલ બોર્ડનની "માર્કેટિંગ મિક્સ"ની યાદીમાં બાર તત્ત્વો હતાં. બારમાંથી ચાર થયાં, અને હવે વ્યવહારમાં બે. આ ગતિએ આવતી પેઢી પાસે અડધો 'P' બચશે.
- 2020માં "Fair & Lovely"નું નામ બદલીને "Glow & Lovely" થયું. ક્રીમ લગભગ એ જ, ટ્યૂબ નવી. પેકેજિંગની તાકાતનો આનાથી સારો દાખલો મળવો મુશ્કેલ છે.
- ટેસ્લાએ વર્ષો સુધી પરંપરાગત જાહેરાત પાછળ નહિવત ખર્ચ કર્યો, અને Zara પણ જાહેરાત પર બહુ ઓછો ખર્ચ કરવા માટે જાણીતી છે. એટલે કે માલ બોલતો હોય તો માઇક ઓછું જોઈએ.

પરાગ રતનપરા

If you like it, please share it.

#Marketing #4Ps #Satire #IndianSociety #માર્કેટિંગ #દેખાડો #કટાક્ષ #ગુજરાતી

શિક્ષણયાદો
← પહેલો લેખકોલસો બચાવ્યો, એટલે કોલસો ખૂટ્યોઆગલો લેખ →ચમત્કાર: ભગવાનને નહીં, આપણને જોઈએ છે