← મુખપૃષ્ઠ · સમાજ અને વ્યંગ

ટ્રમ્પની "હા-પાડી-દીધી" ડિપ્લોમસી: દુનિયાનો સૌથી મોટો મનોવૈજ્ઞાનિક તમાશો

૧૮ એપ્રિલ ૨૦૨૬નિબંધ

# ટ્રમ્પની "હા-પાડી-દીધી" ડિપ્લોમસી: દુનિયાનો સૌથી મોટો મનોવૈજ્ઞાનિક તમાશો

**— પરાગ રતનપરા**

---

ગઈકાલે ટેલિવિઝન પર એક માણસ ઊભો હતો. નારંગી ચહેરો, પીળા વાળ, અને મોઢામાંથી શબ્દો નહીં પણ બુલડોઝર નીકળતા હતા. એણે જાહેર કર્યું કે ઈરાને બધું જ સ્વીકારી લીધું છે. યુરેનિયમ? આપી દીધું. પરમાણુ કાર્યક્રમ? બંધ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ? ખુલ્લો. નાકાબંધી? સહી થતાં જ સમાપ્ત. બધું જ પતી ગયું. ડન. ફિનિશ્ડ. ખતમ.

પછી ઈરાને કહ્યું — "ભાઈ, અમે તો કશું કહ્યું જ નથી."

હવે સામાન્ય માણસ મૂંઝાઈ જાય. પણ સામાન્ય માણસ શું જાણે કૂટનીતિની ઊંચાઈઓ? આ તો નેક્સ્ટ લેવલ નેગોશિએશન છે, સાહેબ. આને હું કહું છું — "એફર્મેટિવ ક્લોઝ." અંગ્રેજીમાં બોલીએ તો વધારે વજન પડે. ગુજરાતીમાં કહીએ તો — "હા-પાડી-દીધી" પદ્ધતિ. તમે પાડી છે કે નથી પાડી એ ગૌણ છે. મહત્ત્વનું એ છે કે દુનિયા માને છે કે તમે પાડી દીધી.

આ ટેકનિક એવી છે જેવી ઘરમાં બાપા દીકરાને કહે: "તેં એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લીધું છે." દીકરો કહે: "પપ્પા, મેં તો હજી ફોર્મ પણ નથી ભર્યું." બાપા ફરી કહે: "તેં એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લીધું છે." પડોશીઓને કહે. સગાંવ્હાલાંને કહે. સોસાયટીમાં મીઠાઈ વહેંચે. છ મહિનામાં દીકરો ખરેખર એન્જિનિયરિંગ કોલેજમાં બેઠો હોય છે અને એને પોતાને પણ ખબર નથી કે આ બધું કેવી રીતે થયું.

આ જ ટ્રમ્પ કરી રહ્યા છે. ફર્ક એટલો કે બાપાનો દીકરો એક છે, ટ્રમ્પના "દીકરાઓ" આઠ અબજ છે.

**તો આમાં થાય છે શું?**

પ્રથમ, નેરેટિવ બને છે. એકની એક વાત સો વાર કહો તો સાચી થઈ જાય છે — આ પ્રાચીન સત્ય છે. ગોબેલ્સ આ જાણતો હતો, ટીવી સિરિયલવાળા આ જાણે છે, અને ટ્રમ્પ તો આના કુલપતિ છે. એમણે "ઈરાને માની લીધું" એટલી વાર કહ્યું કે હવે સીએનએન, બીબીસી, અને તમારો પાડોશી — બધાના મનમાં એ ઘૂસી ગયું. ઈરાનના મૌલવીઓ સવારે નમાઝ પછી અરીસામાં જોશે તો એમને પણ લાગશે કે "અરે, કદાચ આપણે સાચે જ હા પાડી દીધી હતી?"

બીજું, દબાણ. જાહેરમાં કહી દીધું કે ઈરાને હથિયાર નાખી દીધા છે. હવે ઈરાન ના પાડે તો શું થાય? દુનિયા પૂછે: "તમે કેમ ફરી ગયા?" ઈરાન કહે: "અમે ફર્યા જ નથી." દુનિયા કહે: "તો પછી સહી કરો." ઈરાન જાળમાં. આ ચોપાટની એવી ચાલ છે જેમાં સામેવાળો કોઈ પણ પત્તું ચલાવે, હારે.

ત્રીજું, મોમેન્ટમ. ભાઈ, નેગોશિએશનમાં ગતિ એ ગીતા છે. ટ્રમ્પ એવી રીતે બોલે છે જાણે ડીલ થઈ ગયું છે, એટલે ઈરાનના નેતાઓ પણ વિચારવા લાગે — "હવે પાછા જઈએ તો વધુ બોમ્બ પડશે. આગળ જઈએ તો ઓછામાં ઓછું ડોનાલ્ડના ટ્વીટથી જાન બચશે." બોમ્બ અને ટ્વીટ વચ્ચેની પસંદગી આપવામાં આવે ત્યારે ટ્વીટ હંમેશા જીતે છે.

ચોથું, દબદબો. પોતાની પ્રજાને, પોતાના મિત્રોને, પોતાના દુશ્મનોને — બધાને એક જ સંદેશો: "આ થઈ રહ્યું છે. તમારે માત્ર એટલું નક્કી કરવાનું છે કે હસતા મોઢે સ્વીકારો છો કે રડતા મોઢે."

**હવે ઈરાનનો ખેલ સમજો.**

ઈરાન જે મુદ્દાઓનો ઇનકાર કરી રહ્યું છે એ જ મુદ્દાઓ છે જે ટ્રમ્પે ઉછાળ્યા છે. એનો મતલબ શું? એનો મતલબ એ કે ઈરાન ટ્રમ્પની ફ્રેમમાં પ્રવેશી ચૂક્યું છે. ઈરાન એ જ ભાષામાં જવાબ આપે છે જે ભાષા ટ્રમ્પે નક્કી કરી છે. જેવું કોઈ તમારા ઘરે આવીને કહે "તમારી દીવાલ લીલી છે" અને તમે જવાબ આપો "ના, પીળી છે" — તમે હારી ગયા. કારણ કે હવે ચર્ચા રંગની થઈ ગઈ, દીવાલની માલિકીની નહીં.

દર વખતે ઈરાન ઇનકાર કરે છે ત્યારે તેઓ અજાણપણે આગલી મીટિંગ માટે RSVP મોકલી રહ્યા છે. તેમને પોતાને એ ખબર નથી. તહેરાનમાં બેઠેલા રાજકારણીઓને લાગે છે કે તેઓ જીતી રહ્યા છે કારણ કે તેઓ "ના" કહી શકે છે. પણ જે મેદાન પર તમે "ના" કહો છો એ મેદાન તમારા પ્રતિસ્પર્ધીએ બનાવ્યું હોય, ત્યારે તમારી "ના" પણ એની "હા" બને છે.

**હવે પ્રશ્ન એ છે કે આ માણસના મનમાં ચાલે છે શું?**

એક વિયેનાના સિગારબાજ સાહેબે ઘણા વર્ષો પહેલાં લખેલું કે દરેક પુખ્ત વ્યક્તિની અંદર એક નાનું બાળક જીવે છે — બાળક જેને બધાનું ધ્યાન જોઈએ, જેને "ના" શબ્દ અસહ્ય લાગે, અને જે પોતાને જગતનું કેન્દ્ર માને. મોટાભાગના લોકો મોટા થતાં આ બાળકને ભોંયરામાં પૂરી દે છે. કેટલાક ભોંયરાનું તાળું બરાબર મારતા નથી. અને કેટલાક — બહુ જ વિરલ કિસ્સાઓમાં — એ બાળકને રાષ્ટ્રપતિભવનમાં લઈ જઈને સિંહાસન પર બેસાડી દે છે.

આ માણસનું અહમ એવડું છે કે એની આસપાસ એક અલગ સૂર્યમંડળ ફરે છે. એના માટે વાસ્તવિકતા એ નથી જે છે, પણ એ છે જે એ બોલે છે. બોલ્યું એટલે થયું. થયું એટલે સાચું. કોઈ ના પાડે તો એ "ફેઈક ન્યુઝ." આ વિચારધારા બાળકની છે — ત્રણ વર્ષનું બાળક ટેબલ નીચે સંતાય અને માને કે દુનિયા એને જોઈ નથી શકતી. ફરક એટલો કે ત્રણ વર્ષનું બાળક પાસે પરમાણુ કોડ નથી હોતા.

એમનું મનોવૈજ્ઞાનિક ગણિત સાદું છે: "હું જે કહું એ સત્ય, જે ના કહું એ અસ્તિત્વમાં નથી." આ માન્યતા નાર્સિસસ નામના ગ્રીક છોકરાની યાદ અપાવે — જે પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના જ પ્રેમમાં પડ્યો અને ત્યાં જ મરી ગયો. ફરક એટલો કે આજકાલ પ્રતિબિંબ તળાવમાં નહીં, ટ્વિટરમાં દેખાય છે, અને એમાં લાઈક્સની સંખ્યા પણ લખેલી હોય છે.

એમની અંદરનો એ વિયેનાવાળા સાહેબ જેને "ઇડ" કહેતા હતા — એ આદિમ, ભૂખ્યો, લાગણીઓથી ભરેલો ભાગ — કદી શાંત થયો નથી. "સુપર-ઇગો" — જે આપણને કહે છે "આ ખોટું છે, આ ના કરો" — એ ક્યાંક ચોથી ગ્રેડમાં જ છૂટી ગયો હતો. વચ્ચેનો "ઇગો" — જે વાસ્તવિકતા સાથે સમાધાન કરે — એ પણ કોઈ ગોલ્ફ કોર્સ પર ખોવાઈ ગયો. રહી ગયું બસ ઇડ, મેગાફોન, અને ટ્વિટર એકાઉન્ટ.

**અંતે એક વાત.**

આ પેટર્ન તમે દર વખતે જોશો. જ્યારે પણ કોઈ મોટી ડીલ થવાની હશે, આ જ તમાશો થશે. પહેલા જાહેરાત, પછી ઇનકાર, પછી તણાવ, પછી મીટિંગ, પછી "ઐતિહાસિક કરાર," પછી નોબેલ માટેની અરજી. આ ચક્ર ચાલતું રહેશે.

આપણે સામાન્ય માણસો — જે સવારે ચા પીએ છીએ, ઓફિસ જઈએ છીએ, ઈએમઆઈ ભરીએ છીએ — આપણે બસ જોતા રહેવાનું છે. આ સર્કસ આપણા માટે નથી ચાલતું. આ તો એક વૃદ્ધ બાળકનું રમકડું છે જેમાં આખી દુનિયા પાત્રો છે.

સીટ બેલ્ટ બાંધો. ઝડપ વધવાની છે. અને યાદ રાખો — જે માણસ ટેબલ નીચે સંતાઈને કહે કે "મને કોઈ જોઈ નથી શકતું," એ માણસ પાસે જ્યારે ખરેખરું ટેબલ હોય અને ખરેખરા દેશ હોય, ત્યારે તમાશો જોવો એ મનોરંજન છે કે દુર્ઘટના, એ નક્કી કરવું તમારા પર છે.

હું તો ચા મૂકું છું. તમે પણ મૂકો.

આત્મચિંતનલેખનમનોવિજ્ઞાન
← પહેલો લેખપેટ્રોડોલર પુરાણ: તેલ, ડોલર અને યુદ્ધની ત્રિવેણીઆગલો લેખ →રાજકારણનું મનોવિજ્ઞાન: કેવી રીતે ટાઈમિંગ અને નાટક એક બિલને વાયરલ વાર્તા બનાવી દે છે