સૂરજ મફત હતો, આપણે તૈયાર નહોતા
**The Sun Was Free, We Were Not Ready**
**સૂરજ મફત હતો, આપણે તૈયાર નહોતા**
પરાગ રતનપરા
દરેક ગુજરાતી ઘરમાં એક અવાજ હોય છે જે જન્મથી કાનમાં ગુંજે છે: "લાઇટ બંધ કર! બિલ તારો બાપ ભરશે?" પંખો ખાલી રૂમમાં ફરે તો પાપ, ગીઝર દસ મિનિટ વધારે ચાલે તો ગુનો, અને AC ચાલુ કરવું હોય તો પહેલાં કુટુંબની સંસદમાં ઠરાવ પસાર કરાવવો પડે. આપણે વીજળીને સંપત્તિ નહીં, દુશ્મન માનીને મોટા થયા છીએ. મહિનાના અંતે બિલ આવે એટલે ઘરમાં એવું વાતાવરણ જાણે રિઝલ્ટ આવ્યું હોય.
આ માનસિકતા માત્ર ઘરની નથી, આખા દેશની છે. દાયકાઓથી આપણે માનતા આવ્યા કે ભારતમાં ઊર્જા મોંઘી છે, ખરાબ છે અને ભરોસાપાત્ર નથી. આપણો કોલસો હલકી ગુણવત્તાનો, એને દેશના એક ખૂણેથી બીજે ખૂણે લઈ જવો મોંઘો. પેટ્રોલ-ગેસના ભાવ દુનિયાના ભાવની પાછળ ચાલે. અને વીજ વ્યવસ્થા? એ તો વેપારી ગ્રાહકનું ખિસ્સું એવી રીતે ખાલી કરે જેમ લગ્નમાં બેન્ડવાળો છેલ્લી ઘડીએ "ડીઝલ ચાર્જ" ઉમેરે.
**મગજ વેચ્યું, કારણ કે વીજળી મોંઘી હતી**
તો ભારતીય ઉદ્યોગે શું કર્યું? એણે જુગાડ કર્યો, અને એ જુગાડનું નામ હતું "બુદ્ધિ." મનસ્વી સરકારી તંત્ર, તૂટેલા રસ્તા અને મોંઘી ઊર્જા, આ ત્રણ અપંગતાઓની ભરપાઈ આપણે દેશના સૌથી તેજસ્વી દિમાગોથી કરી. ફેક્ટરીમાં ભઠ્ઠી સળગાવવી મોંઘી પડે, એટલે આપણે ઓફિસમાં લેપટોપ સળગાવ્યા. સર્વિસીસ, સોફ્ટવેર, એસેટ-લાઇટ મોડેલ. દીકરો એન્જિનિયર બને, પણ લોખંડ નહીં, કોડ ઘડે. આપણે દુનિયાને કહ્યું, "માલ તમે બનાવો, હિસાબ અમે રાખીશું."
આંકડા પણ આ જ કહે છે. CMIE મુજબ 1992-93માં બિન-નાણાકીય કંપનીઓના ખર્ચમાં વીજળી-બળતણ-પાણીનો હિસ્સો 5.73 ટકા હતો. 2024-25માં એ ઘટીને 2.87 ટકા થઈ ગયો. એટલે નહીં કે વીજળી સસ્તી થઈ, પણ એટલે કે આપણે એવા ધંધા જ પસંદ કર્યા જેમાં વીજળી ઓછી જોઈએ. જેમ કોઈ કંજૂસ કાકા વજન ઘટાડે નહીં, બસ ભોજન સમારંભમાં જવાનું જ બંધ કરી દે.
**અને પછી સૂરજે પાસું ફેરવ્યું**
હવે વાર્તામાં વળાંક આવે છે, અને એ એટલો મોટો છે કે આપણી જૂની માન્યતાઓ ખુરશી પરથી ગબડી પડે. અર્થશાસ્ત્રી અજય શાહ લખે છે કે પહેલી વાર ભારત ઊર્જા ખર્ચની દ્રષ્ટિએ આકર્ષક દેશ બની રહ્યો છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલીના સંશોધકો નિકિત અભ્યંકર અને અમોલ ફડકેના અભ્યાસ મુજબ ભારતમાં સોલર પ્લાન્ટ નાખવાનો મૂડી ખર્ચ અમેરિકા કરતાં લગભગ ત્રીજા ભાગનો છે. કારણ? ગ્રીડ જોડાણમાં વિલંબ, મજૂરી અને જમીન સંપાદન. એટલે કે અમેરિકામાં કાગળ ધીમા ચાલે છે, અને ભારતમાં, માનો કે ન માનો, કામ ઝડપથી થાય છે. આપણા તલાટીઓએ આ સમાચાર સાંભળ્યા હશે તો પોતે પણ ચોંકી ગયા હશે.
દિવસના સોલર વીજળીનો ભાવ ભારતમાં આશરે 30 ડૉલર પ્રતિ મેગાવોટ-કલાક છે, અમેરિકામાં 50 ડૉલરની આસપાસ. બેટરી સાથે ચોવીસ કલાકની વીજળી ભારતમાં 70 ડૉલર, અમેરિકામાં 100. જે અમેરિકાએ લાકડું, કોલસો, તેલ અને ગેસ બાળીને દુનિયા પર રાજ કર્યું, અને જેના સરકારી સંશોધનમાંથી જ સોલર ક્રાંતિ જન્મી, એ જ અમેરિકાને હવે ભારત ઊર્જા ખર્ચમાં પાછળ છોડી રહ્યું છે. સસ્તી મજૂરી તો આપણી ઓળખ હતી જ, હવે સાથે સસ્તી ઊર્જા પણ. એક જમાનામાં આપણે અમેરિકાના વિઝા માટે લાઇનમાં ઊભા રહેતા, હવે અમેરિકાની ફેક્ટરીઓ આપણા તડકા તરફ જોઈ રહી છે.
વ્યંગ જુઓ. જે ગરમી માટે આપણે આખો ઉનાળો ફરિયાદ કરીએ છીએ, "આ વર્ષે તો હદ થઈ ગઈ, 46 ડિગ્રી!", એ જ તડકો હવે રાષ્ટ્રીય સંપત્તિ બની ગયો. કચ્છનું રણ, જેને આપણે વર્ષો સુધી "ત્યાં શું છે, ખાલી મીઠું ને પવન" કહીને અવગણ્યું, ત્યાં હવે ભવિષ્યનો ખજાનો ઊગી રહ્યો છે.
**ભારતની અપંગતા: સૂરજ સસ્તો, ભરોસો મોંઘો**
પણ ભારત છે એટલે એક "પણ" તો હોય જ. આપણે મૂડીના ખર્ચમાં દંડ ભરીએ છીએ. લેખક એને નાણાકીય નીતિની નિષ્ફળતા અને કેપિટલ કંટ્રોલ્સ સાથે જોડે છે. સરળ ભાષામાં: આપણો તડકો સસ્તો છે, પણ આપણા પર ભરોસો મોંઘો છે. વિદેશી રોકાણકાર સોલર પેનલ જોઈને ખુશ થાય, પણ નિયમોની ફાઇલ જોઈને વ્યાજ વધારી દે. છતાં લેખકનું તારણ છે કે જમીન પર કામ કરવાનો ફાયદો આ નાણાકીય દંડ કરતાં મોટો છે. એટલે કે આપણે એક પગમાં પથ્થર બાંધીને પણ દોડમાં આગળ છીએ. કલ્પના કરો, પથ્થર છોડીએ તો?
**લીલું સ્ટીલ, કાળો પાડોશી**
હવે અસલ રમત. અત્યાર સુધી સ્ટીલ એટલે કોલસો. ધુમાડો, ભઠ્ઠી, કાળા હાથ. નવો રસ્તો છે ગ્રીન સ્ટીલ: વીજળીથી હાઇડ્રોજન બનાવો, DRI ભઠ્ઠીમાં સ્પોન્જ આયર્ન બનાવો, અને ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસમાં ઓગાળીને સ્ટીલ. થોડાં વર્ષ પહેલાં આ ગણિત બેસતું નહોતું, આજે બેસે છે. કારણ કે સોલર અને બેટરી વીજળીનો ભાવ 25 વર્ષ માટે રૂપિયામાં નક્કી થઈ જાય છે, જ્યારે કોલસો તો મોંઘવારી સાથે મોંઘો થતો જ રહેશે. પરિણામે ભારતમાં ગ્રીન સ્ટીલ હવે કોલસાવાળા સ્ટીલની લગભગ બરાબરીએ પહોંચ્યું છે. અને યુરોપ-બ્રિટનમાં નિકાસ કરવી હોય તો કાર્બન બોર્ડર ટેક્સ (CBAM)ને કારણે ગ્રીન સ્ટીલ સીધું આગળ.
અને પાડોશી? ચીન પાસે વર્ષે આશરે એક અબજ ટન કોલસા આધારિત સ્ટીલ ક્ષમતા છે. લેખક એવી શક્યતા બતાવે છે કે આ આખો ઉદ્યોગ ફસાયેલી, નકામી "લેગસી" સંપત્તિ બની જાય. આ એવું છે જેમ કોઈએ હાઇવે બને એ પહેલાં જૂના રસ્તા પર ભવ્ય બંગલો બાંધી દીધો, અને પછી રસ્તો બીજી બાજુથી નીકળ્યો. બંગલો મોટો, પણ ત્યાં હવે કોઈ ફરકતું નથી.
એલ્યુમિનિયમની વાત તો વધુ સીધી છે. એ બનાવવા કોલસો નહીં, વીજળી જોઈએ. સસ્તી લીલી વીજળી અને 25 વર્ષના નક્કી ભાવ સાથે ગ્રીન એલ્યુમિનિયમ પણ સ્પર્ધામાં ટકી શકે, અને CBAM દેશોમાં તો એનો હાથ ઉપર.
**ત્રણ નિશ્ચિતતા, બે આશાઓ**
લેખક 2026ને ટિપિંગ પોઇન્ટ કહે છે. આગળ લીલી ટેકનોલોજીનું વર્ચસ્વ વધશે, એના માટે ત્રણ વાત લગભગ નક્કી: વધુ દેશો CBAM અપનાવશે, સોલર અને બેટરી સસ્તાં થતાં જશે, અને કોલસો મોંઘવારી સાથે મોંઘો થશે. અને બે આશાઓ, જે ભારતના સંદર્ભમાં "આશા" જ કહેવાય: જો નાણાકીય સુધારા થાય અને કેપિટલ કંટ્રોલ્સ દૂર થાય તો મૂડી સસ્તી થશે, અને જો સરકાર ગ્લોબલ વોર્મિંગ અને હવાની ગુણવત્તાને ગંભીરતાથી લે તો કોલસા પર ટેક્સ અને નિયંત્રણો આવશે. ભારતમાં "જો" સૌથી લાંબો શબ્દ છે. એમાં આખી પંચવર્ષીય યોજના સમાઈ જાય.
**બોર્ડરૂમના કાકાઓ**
હવે સૌથી રમૂજી, અને સૌથી દુઃખદ, ભાગ. CMIE ના CapEx ડેટાબેઝ મુજબ પ્રાઇમરી સ્ટીલમાં ₹6.4 લાખ કરોડના પ્રોજેક્ટ અમલમાં છે, આશરે 149 મિલિયન ટન વાર્ષિક ક્ષમતા. પ્રાઇમરી એલ્યુમિનિયમમાં ₹2.6 લાખ કરોડ, આશરે 5.8 મિલિયન ટન. અને એ એલ્યુમિનિયમ પ્રોજેક્ટ્સમાંથી મોટો હિસ્સો, ₹0.8 લાખ કરોડ, નવા કોલસા પાવર પ્લાન્ટ પરનો દાવ છે. લેખક નમ્રતાથી કહે છે કે વૈશ્વિક ધોરણે આ "વિચિત્ર" છે. હું ઓછો નમ્ર છું: આ 2026માં ફેક્સ મશીનનો શો-રૂમ ખોલવા જેવું છે. મેટ્રોનું ઉદ્ઘાટન થઈ રહ્યું હોય ત્યારે ઘોડાગાડીનો તબેલો વિસ્તારવા જેવું.
આ ભૂલ મૂર્ખતાની નથી, અનુભવની છે. આપણા બોર્ડરૂમમાં એવા અનુભવી લોકો બેઠા છે જેમને ગયા દાયકામાં ધંધો કેવી રીતે ચાલ્યો એ બરાબર ખબર છે. આ એ જ કાકા છે જે હજી કહે છે, "FD થી સારું કંઈ નહીં, શેરબજાર તો જુગાર છે," અને "કોલસો હંમેશા ચાલશે, અમે ચાલીસ વર્ષ જોયું છે." ચાલીસ વર્ષ જોયું હોવું એ ગુણ છે, પણ આવતાં દસ વર્ષ ન જોઈ શકવું એ ખતરો. લેખક કહે છે કે અત્યારે જરૂર ભૂતકાળના વ્યવહારુ જ્ઞાનની નથી, પણ ભવિષ્યમાં દુનિયા કેવી બદલાશે એની વ્યૂહાત્મક સમજની છે. આપણા સમાજમાં ઉંમર અને અનુભવને સન્માન મળે છે, પ્રશ્ન પૂછનારને નહીં. બોર્ડમીટિંગમાં કોઈ યુવાન કહે, "સર, કોલસો ફસાયેલી સંપત્તિ બની શકે," તો જવાબ મળે, "તું હજી નાનો છે." પછી દસ વર્ષે બેલેન્સશીટ પર ફસાયેલી સંપત્તિ દેખાય ત્યારે એ જ કાકા કહેશે, "કોણે ધાર્યું હતું?"
ભારતીય સમાજનો આ જૂનો રોગ છે. આપણે બદલાવનો વિરોધ નથી કરતા, બસ એને ઓળખવામાં દસ વર્ષ લગાડીએ છીએ. પછી એ બદલાવ બીજા કોઈના નામે થઈ જાય, અને આપણે WhatsApp પર ફોરવર્ડ કરીએ: "જુઓ, આ તો આપણા વેદોમાં લખ્યું હતું."
દાયકાઓ સુધી ઘરમાં કહેવાયું, "લાઇટ બંધ કર." હવે કદાચ સમય આવ્યો છે કહેવાનો, "જૂની માન્યતાની લાઇટ બંધ કર." સૂરજ તો હંમેશાં મફત હતો. આપણે તૈયાર નહોતા. પ્રશ્ન એ છે કે હવે તૈયાર થઈશું, કે સૂરજ પણ કોઈ બીજાના નામે ઊગશે?
**Real but Weird Facts / સાચી પણ વિચિત્ર હકીકતો**
- ભારતમાં સોલર પ્લાન્ટનો મૂડી ખર્ચ અમેરિકા કરતાં લગભગ ત્રીજા ભાગનો છે, અને એનું એક મોટું કારણ અમેરિકાનો ગ્રીડ-જોડાણ વિલંબ છે. એટલે કે આ એક ક્ષેત્રમાં અમેરિકાની લાલફીતાશાહી આપણા કરતાં ધીમી છે.
- 1992-93માં ભારતીય કંપનીઓના ખર્ચમાં વીજળી-બળતણ-પાણીનો હિસ્સો 5.73 ટકા હતો, 2024-25માં માત્ર 2.87 ટકા. ઊર્જા સસ્તી નહોતી થઈ, આપણે ઊર્જાવાળા ધંધાથી જ દૂર ભાગ્યા.
- એલ્યુમિનિયમ બનાવવામાં એટલી વીજળી વપરાય છે કે ઉદ્યોગમાં એને "ઘન બનેલી વીજળી" (solid electricity) કહેવાય છે. છતાં ભારતમાં નવા એલ્યુમિનિયમ પ્રોજેક્ટ્સનો મોટો હિસ્સો નવા કોલસા પાવર પ્લાન્ટ પર ખર્ચાઈ રહ્યો છે.
પરાગ રતનપરા
If you like it, please share it.
#GreenSteel #CheapElectricity #IndiaElectrostate #EnergyTransition
#સસ્તી_વીજળી #ગ્રીન_સ્ટીલ #ગુજરાતી_વ્યંગ #સૂરજની_સંપત્તિ