← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · વિચારનો વેપાર

બ્રશ કરવાની સમસ્યા

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૧૩૦

તમે આજે દાંત સાફ કરી લીધા એટલે જીવનભર દાંત સાફ કરવાની મુક્તિ મળી જતી નથી. કાલે સવારે ફરી બ્રશ ઘસવું જ પડશે. આ વાત અત્યંત સાદી લાગે છે, પણ માણસ આખી જિંદગી આટલો સીધો નિયમ ભૂલીને અટવાયા કરે છે. જીવનના ઘણા પ્રશ્નો ડિગ્રી જેવા હોય છે—એક વાર પરીક્ષા પાસ કરી, પ્રમાણપત્ર હાથમાં આવ્યું એટલે પૂરું. પરંતુ મોટા ભાગની અસલી સમસ્યાઓ બ્રશ કરવા જેવી હોય છે. એનો કોઈ કાયમી નિકાલ નથી હોતો. એ સતત ચાલતી માવજત માંગે છે.

આ વિચાર મનોવૈજ્ઞાનિક અને લેખક એડમ માસ્ટ્રોઇયાન્નીએ ૨૦૨૪માં પોતાના એક નિબંધમાં રજૂ કર્યો હતો. એમણે સમસ્યાઓને બે ભાગમાં વહેંચી: ‘ડિપ્લોમા સમસ્યા’ અને ‘ટૂથબ્રશિંગ સમસ્યા’. માણસ હંમેશાં ચમત્કારિક અંતની શોધમાં હોય છે. એને લાગે છે કે કોઈ એક મોટો નિર્ણય લેશે અને જિંદગીની તમામ માથાકૂટો કાયમ માટે ખતમ થઈ જશે. હકીકત એ છે કે સંબંધો સાચવવા, શરીર ફિટ રાખવું કે ઘરની ગંદકી સાફ કરવી—આ બધું રોજેરોજ બ્રશ કરવા જેવું કામ છે. આમાં અંતિમ વિજય જેવું કશું હોતું જ નથી.

આ ફર્ક ન સમજાય ત્યારે માણસ હતાશ થઈ જાય છે. આપણને એમ લાગે છે કે એક વાર મહેનત કરી લીધી પછી શાંતિથી બેસી રહેવા મળશે. દલાલ સ્ટ્રીટમાં ઊતરતો નવો સવા રોકાણકાર આ જ ભ્રમમાં જીવે છે. એ માને છે કે કોઈ એક સારો મલ્ટિબેગર શેર પકડી લીધો, થોડા લાખ રૂપિયા રોકી દીધા એટલે હવે સીધા અબજોપતિ બનીને જ બહાર નીકળવાનું છે. પણ શેરબજાર ડિગ્રી નથી, શેરબજાર દાંત ઘસવા જેવું કામ છે. કંપનીઓના ત્રિમાસિક પરિણામો તપાસવા પડે, પોર્ટફોલિયો રીબેલેન્સ કરવો પડે અને બજારના બદલાતા પ્રવાહ સાથે પોતાના જોખમનું રોજ ઓડિટ કરવું પડે. જે માની બેસે છે કે રોકાણ એક વાર કરીને ભૂલી જવાની ચીજ છે, એનો પોર્ટફોલિયો સડેલા દાંત જેવો થઈ જાય છે.

દુનિયામાં મોટા ભાગનું કામ કોઈ મહાન ક્રાંતિ નથી, કંટાળાજનક દિનચર્યા છે. જેને આ વાત સમજાઈ જાય છે, એ રોજ સવારે ઊઠીને ચુપચાપ પોતાનું કામ પૂરું કરે છે. જીવન કોઈ એક દિવસમાં ઉકેલી નાખવાની પઝલ નથી, દરરોજ સાચવવાની અખંડ પ્રક્રિયા છે.

જે સમસ્યાનો કોઈ કાયમી અંત નથી હોતો, ત્યાં રોજની શિસ્ત જ એકમાત્ર ઉત્તર છે.

વિચારનો વેપાર
← પહેલું પ્રકરણટોની માર્શ પદ્ધતિઆગલું પ્રકરણ →ટોપ ફાઈવ ઈમેઈલ નિયમ