સરળ નિયમોની વ્યુહરચના
મોટી કંપનીઓ જાડા દસ્તાવેજો બનાવે છે. સેંકડો પાનાંની વ્યુહરચના, જટિલ ફ્લોચાર્ટ અને ઓફિસના બંધ બારણે થતી લાંબી મીટિંગો. પણ જ્યારે બજાર બદલાય ત્યારે આ જાડા ચોપડા ધૂળ ખાય છે. ઝડપી દુનિયામાં જટિલ નિયમો કામ નથી કરતા. ત્યાં જોઈએ 'સરળ નિયમોની વ્યુહરચના'. નિર્ણય લેવા માટે માત્ર ત્રણથી પાંચ સ્પષ્ટ અને અફર નિયમો નક્કી કરો. બાકી બધું નીચે કામ કરતા માણસના વિવેકબુદ્ધિ પર છોડી દો.
આ વિચાર સ્ટેનફોર્ડના પ્રોફેસર કેથલીન આઈઝનહાર્ટ અને ડોનાલ્ડ સુલે હાર્વર્ડ બિઝનેસ રિવ્યુના એક લેખમાં અને પછી પોતાના પુસ્તકમાં મૂક્યો હતો. એમનું કહેવું હતું કે અનિશ્ચિત વાતાવરણમાં લાંબી યોજનાઓ લકવાગ્રસ્ત કરી દે છે. સફળ કંપનીઓ આખી પ્રક્રિયા બાંધી નથી લેતી. તે માત્ર સીમાઓ નક્કી કરે છે. કયા પ્રોજેક્ટમાં પૈસા રોકવા, કયા ગ્રાહકને ના પાડવી અને ક્યારે બહાર નીકળી જવું, આના માટેના એક-બે રોકડિયા નિયમો જ આખી કંપની ચલાવે છે.
વધારે નિયમો શિસ્ત નથી લાવતા, મૂંઝવણ પેદા કરે છે. જ્યારે કર્મચારી પાસે જાડી નિયમાવલી હોય, ત્યારે તે નિર્ણય લેવાનું ટાળે છે અથવા કાગળ પર જવાબદારી ઢોળે છે. સરળ નિયમો સત્તાનું વિકેન્દ્રીકરણ કરે છે. તે નિર્ણય લેવાની ગતિ વધારે છે. રસ્તા પર એમ્બ્યુલન્સ સાયરન વગાડે ત્યારે ટ્રાફિક આપોઆપ બાજુ પર ખસી જાય છે, એના માટે મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી નથી લેવી પડતી. વેપારમાં પણ આટલી જ ચપળતા જોઈએ.
આપણા દેશમાં ડીમાર્ટનું ઉદાહરણ જુઓ. રિટેલની દુનિયામાં રાધાકિશન દામાણીએ કોઈ જટિલ પુસ્તકો નથી લખ્યા. એમની રણનીતિ સાવ સરળ નિયમો પર ટકેલી છે: સપ્લાયરને ૨૪ કલાકમાં રોકડા ચૂકવો જેથી સૌથી સસ્તો માલ મળે, જમીન ભાડે લેવાને બદલે ખરીદો, અને બચત સીધી ગ્રાહકને ડિસ્કાઉન્ટ રૂપે આપો. જ્યારે બાકીની મોટી રિટેલ ચેઇનો મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સના પ્રેઝન્ટેશનમાં અટવાયેલી હતી, ત્યારે ડીમાર્ટ આ ત્રણ સરળ નિયમોને આધારે દેશનું સૌથી નફાકારક સામ્રાજ્ય ઊભું કરી ગયું.
જે રણનીતિ એક સાદા કાગળ પર પેન્સિલથી ન સમજાવી શકાય, તે પહેલા કટોકટીમાં જ કચરાપેટીમાં જશે.