સ્પોર્ટ્સ ફેન ટ્રેપ
કોઈ એક પક્ષ સાથે અંધ બનીને જોડાઈ જવું એ માનસિક ગુલામીનું પહેલું પગથિયું છે. રમતના શોખીન લોકો પોતાની ટીમના વિજય પર જેટલા રાજી થાય છે, તેના કરતાં હાર પર બમણા દુઃખી થાય છે. જીતનો આનંદ ક્ષણિક હોય છે, પણ પરાજયનો ઘા દિવસો સુધી કણસ્યા કરે છે. આ એક વિચિત્ર માનસિક છટકું છે. તમે મેદાનમાં ઉતર્યા નથી, છતાં તમારી ખુશી બીજા કોઈના પર્ફોર્મન્સ પર ગીરવે મુકાઈ ચૂકી છે.
આ વિચાર સેથ સ્ટીફન્સ-ડેવિડોવિટ્ઝના પુસ્તક 'ડોન્ટ ટ્રસ્ટ યોર ગટ'માં ચર્ચાયો છે. લેખકે બતાવ્યું કે ચાહક બનવું એ વાસ્તવમાં સુખ ઘટાડવાનો રસ્તો છે. મનોવિજ્ઞાનની ભાષામાં નુકસાનની પીડા નફાના સંતોષ કરતાં ઘણી વધારે વજનદાર હોય છે. જ્યારે તમે કોઈ ટીમ, વિચારધારા કે પક્ષ સાથે તમારી ઓળખ બાંધી દો છો, ત્યારે તમારું બ્લડપ્રેશર પરાયા હાથમાં સોંપાઈ જાય છે.
આ ટ્રેપ માત્ર સ્ટેડિયમ પૂરતો મર્યાદિત નથી. આપણા ઘરસંસારમાં આ રોજનું નાટક છે. સાસુ અને વહુ વચ્ચેનો અહંકારનો જંગ આનું જીવંત ઉદાહરણ છે. પતિ કે પત્ની પોતાની મૂળ ફેમિલીના કટ્ટર સમર્થક બનીને ઊભા રહી જાય છે. પિયરના લોકો સાચા જ હોય અને સાસરિયાં ખોટાં જ હોય, એવા પૂર્વગ્રહમાં પત્ની જીવતી હોય છે. સામે છેડે દીકરો માની દરેક ભૂલને સંસ્કાર ગણાવીને બચાવ્યા કરે છે. બંને જણા પોતપોતાની ટીમનો ઝંડો લઈને ઘરમાં કુરુક્ષેત્ર રચે છે.
પરિણામ શું આવે છે? જ્યારે સાસુની વાત સાચી પડે ત્યારે દીકરાને ઘડીભર ગર્વ થાય, પણ વહુનું મોઢું બગડે એટલે આખા ઘરની શાંતિ રોળાઈ જાય છે. કોઈ એક જૂથને જીતાડવાની આ જીદમાં આખું કુટુંબ હારી જાય છે. પક્ષપાતી વલણ વ્યક્તિને વિચારવાની ક્ષમતાથી વંચિત કરી દે છે. સંબંધોમાં જ્યારે ‘આપણે’ની જગ્યાએ ‘મારી ટીમ’ અને ‘તારી ટીમ’ શરૂ થાય, ત્યારે ઘર સ્ટેડિયમ બની જાય છે.
બુદ્ધિશાળી માણસ પ્રેક્ષક રહે છે, કોઈનો પ્રાઈવેટ ચીયરલીડર નથી બનતો. પોતાનું મગજ ભાડે આપવાનું બંધ કરો. સંબંધોમાં તટસ્થ રહેવું એ કોઈ નબળાઈ નથી, પણ માનસિક શાંતિ બચાવવાની ઉત્તમ કળા છે.
બીજાની જીતમાં તમારો ઉત્સવ શોધવાનું બંધ કરો, પરાજય વખતે રડવા માટે કોઈ ખભો નહીં મળે.