← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · દુનિયા કેમ ચાલે છે

ગુણવત્તાની છૂપી ચોરી

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૧૮૩

મોંઘવારી માપવાના જૂના ત્રાજવા હવે નકામા થઈ ગયા છે. પહેલાં ભાવ વધતો, ગ્રાહક બરાડા પાડતો. પછી કંપનીઓ હોશિયાર થઈ; ભાવ એ જ રાખ્યો પણ પેકેટમાંથી વજન ઘટાડી નાખ્યું. હવે એનાથી પણ આગળનો એક ખેલ શરૂ થયો છે. ભાવ એ જ રહે છે, વજન પણ એ જ રહે છે, પરંતુ અંદર રહેલી ગુણવત્તા અને સેવાનું સ્તર રાતોરાત પાતળું થઈ જાય છે. અર્થશાસ્ત્રમાં આને ‘સ્કિમ્પફ્લેશન’ કહે છે. અંગ્રેજી શબ્દ ‘સ્કિમ્પ’ એટલે કંજૂસાઈ કરવી કે લોટિયું મારવું.

આ શબ્દ અમેરિકન મીડિયા પોડકાસ્ટ ‘પ્લેનેટ મની’ દ્વારા બે હજાર એકવીસની આસપાસ વહેતો થયો હતો. કંપનીઓ ખર્ચ બચાવવા માટે ઉત્પાદન કે સેવાની આખી પ્રક્રિયા જ સસ્તી કરી નાખે છે. હોટેલમાં રોજ રૂમ સાફ કરવા આવતો સ્ટાફ હવે ત્રણ દિવસે એક વાર આવે છે. એરલાઇનમાં સામાન ઉતારવા માણસો ઓછા રાખવામાં આવે છે. રેસ્ટોરન્ટમાં અસલ માખણની જગ્યાએ પામ તેલનું મિશ્રણ પધરાવી દેવાય છે. પૈસા તમે પૂરા ચૂકવો છો, પણ અનુભવ અધૂરો મળે છે.

આ મોંઘવારી આંખે દેખાતી નથી, એટલે સૌથી ખતરનાક છે. કાગળ પર ફુગાવો સામાન્ય દેખાય, પણ તમારી જિંદગી ધીમે ધીમે બિનકાર્યક્ષમ બનતી જાય. તમારે તમારી જૂની સુવિધા મેળવવા માટે વધારાનો સમય અને ધીરજ ખર્ચવી પડે છે. કંપનીઓ પોતાનો નફો જાળવવા ગ્રાહક પાસે અઘોષિત મજૂરી કરાવે છે.

આપણી ખાનગી હોસ્પિટલો આનું ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદની કોઈ મોટી કોર્પોરેટ હોસ્પિટલના પ્રાઇવેટ રૂમનું દૈનિક ભાડું પાંચ હજાર રૂપિયા જ હોય. તમે રાજી થાઓ કે પાંચ વર્ષથી ભાવ વધ્યો નથી. પણ રૂમમાં દાખલ થાઓ ત્યારે અસલિયત સમજાય. પહેલાં એક સિનિયર નર્સ બે દર્દીનું ધ્યાન રાખતી, હવે એક જ શિખાઉ નર્સના માથે દસ દર્દી હોય છે. ઘંટડી વગાડ્યા પછી કોઈ અડધો કલાકે ડોકિયું કરે છે. રિપોર્ટ્સ કલાકો સુધી અટવાઈ રહે છે અને સિનિયર ડૉક્ટર પાંચ મિનિટમાં રાઉન્ડ પતાવીને નીકળી જાય છે. બિલ એ જ છે, પણ સેવા અડધી થઈ ગઈ છે.

ભાવ ન વધારવો એ વેપારીની દયા નથી હોતી, સેવામાંથી પ્રાણ ચૂસી લેવાની ચૂપચાપ પરવાનગી હોય છે.

દુનિયા કેમ ચાલે છે
← પહેલું પ્રકરણકદ સ્થિરતાનો ભ્રમઆગલું પ્રકરણ →એસકેયુ-મેન માનસિકતા