સમાનતા આકર્ષણ અસર
માણસ પોતાની જાતને અરીસામાં જોવાનો શોખીન છે. આ શોખ માત્ર કાચ પૂરતો સીમિત નથી રહેતો, માણસો શોધવામાં પણ એ જ દાનત કામ કરે છે. જે માણસ આપણા જેવો દેખાય છે, આપણા જેવી ભાષા બોલે છે અને આપણા જેવા જ વિચારો ધરાવે છે, તે આપણને ક્ષણભરમાં ગમી જાય છે. મનોવિજ્ઞાનની ભાષામાં આને 'સિમિલારિટી-એટ્રેક્શન ઇફેક્ટ' કહે છે. સામેવાળામાં આપણું જ પ્રતિબિંબ દેખાય એટલે મગજ તર્ક કરવાનું બંધ કરી દે છે.
આ વિચાર મનોવિજ્ઞાની ડોન બર્ને ૧૯૬૦ના દાયકામાં પ્રયોગો કરીને વ્યવસ્થિત રીતે સાબિત કર્યો હતો. એમણે જોયું કે અજાણ્યા લોકો વચ્ચે જ્યારે મૂલ્યો, શોખ કે મંતવ્યોની સમાનતા હોય છે, ત્યારે પરસ્પર આકર્ષણ આપોઆપ વધી જાય છે. વિરોધીઓ વચ્ચે આકર્ષણ થાય એ ફિલ્મી વાર્તાઓમાં સારું લાગે છે. વાસ્તવિક દુનિયામાં સમાનતા જ મોટા ભાગે વિશ્વાસનું લાઇસન્સ બની જાય છે.
આ અસર પાછળ મગજની આળસ છુપાયેલી છે. જે માણસ તમારા જેવો છે, તેને સમજવા માટે ખાસ મહેનત કરવી પડતી નથી. તે તમને માનસિક આરામ આપે છે. તમારા પૂર્વગ્રહોને સાચા ઠેરવે છે. નુકસાન ત્યારે થાય છે જ્યારે તમે નિર્ણયો લેવા બેસો છો. તમે એવા લોકોને જ નોકરી પર રાખો છો, તેમની સાથે જ ધંધો કરો છો અને તેમની સલાહ જ માનો છો જે તમારા જેવા છે. આ આદત ધીમે ધીમે તમારી આસપાસ એક એવો કૂવો બનાવી દે છે, જ્યાં કોઈ નવો વિચાર અંદર ઘૂસી શકતો નથી.
અમદાવાદના કાપડ માર્કેટની કોઈ જૂની પેઢી જુઓ. શેઠ ગાદી પર બેઠા છે અને મેનેજર કે મુનિમની પસંદગી કરવાની છે. બે ઉમેદવાર આવે છે. એક ઉત્તર ભારતનો હોંશિયાર યુવાન છે, જેનો હિસાબ પાકો છે અને આધુનિક સોફ્ટવેર જાણે છે. બીજો શેઠના પોતાના વતનની બાજુના ગામનો છે, એમની જ જ્ઞાતિનો છે અને ચા પીતાં પીતાં વતનની વાતો કરે છે. શેઠ આંખ મીંચીને બીજા માણસને રાખી લેશે. આવડત ગઈ તેલ લેવા, 'આપણા જેવો છે' એ લેબલ સૌથી મોટો સદ્ગુણ બની જાય છે.
જે માણસ તમારા જેવો જ વિચારે છે, તે તમને આશ્વાસન આપી શકે પણ નવો રસ્તો ક્યારેય નહીં બતાવી શકે.