નકામો પ્રવાહ
તમે કોઈ કામમાં એવા ડૂબી જાઓ કે સમયનું ભાન ન રહે, ભૂખ-તરસ ભુલાઈ જાય. મનોવિજ્ઞાન આને સારો પ્રવાહ કહે છે. પરંતુ દરેક લીન થઈ જવું કલ્યાણકારી નથી હોતું. જ્યારે તમે મોબાઈલ પર રીલ્સ ઘસ્યા કરો છો, ત્યારે પણ સમય ઊડી જાય છે. બે કલાક ક્યાં ગયા તે ખબર નથી પડતી. મન સંપૂર્ણપણે ખેંચાઈ ગયું હતું, પણ ઊભા થાવ ત્યારે અંદર એક ઊંડો કચવાટ, ખાલીપો અને થાક હોય છે. આ સ્થિતિને પોલ બ્લૂમે 'શિટી ફ્લો' એટલે કે નકામો પ્રવાહ કહ્યો છે.
આ કોઈ સર્જનાત્મક સમાધિ નથી, પણ ધ્યાનનું સસ્તું અપહરણ છે. સાચો પ્રવાહ તમારા મૂલ્યો સાથે જોડાયેલો હોય છે. તે પત્યા પછી સંતોષ અને ઊર્જા આપે છે. નકામો પ્રવાહ માત્ર સમય ગળી જાય છે અને બદલામાં અપરાધભાવ પકડાવી દે છે. મગજને ઉત્તેજના મળે છે ખરી, પણ આત્મા ભૂખ્યો રહે છે. કેસિનોના ટેબલ પર સટ્ટો રમતો માણસ પણ સમય ભૂલી જાય છે. એ જ રીતે ઈન્ટરનેટના અંતહીન ખાડામાં ઊતરતો યુવાન પણ ખોવાઈ જાય છે. આ ધ્યાન નથી, આ નશો છે.
રમતના મેદાનમાં આ ફાંસ બહુ ખતરનાક સાબિત થાય છે. ધારો કે હરિયાણાનો એક કુસ્તીબાજ કે ભાલાફેંકનો ખેલાડી છે. તેને ઓલિમ્પિકમાં જવું છે, કલાકો સુધી અખાડામાં લોહી વહાવવું છે. પણ સાંજે થાકીને રૂમ પર આવે ત્યારે વિડિયો ગેમ કે શોર્ટ વીડિયોની સ્ક્રીનમાં એવો ચોંટી જાય છે કે રાતના બે વાગી જાય છે. તે કહેશે કે હું તો બસ રિલેક્સ થતો હતો અને મન એકાગ્ર હતું. પણ સવારે પાંચ વાગ્યે જ્યારે મેટ પર ઊતરવાનું હોય ત્યારે સ્નાયુઓ જકડાયેલા હોય છે અને મગજ બહેર મારી ગયેલું હોય છે. એકાગ્રતા તો મળી, પણ તેણે લક્ષ્યને ખાઈ લીધું.
તમે શેમાં ખોવાઈ જાઓ છો તેના કરતાં વધારે મહત્ત્વનું એ છે કે બહાર નીકળ્યા પછી શું વધે છે. જો કોઈ પ્રવૃત્તિ તમારો સમય ચોરીને બદલામાં આત્મગ્લાનિ આપતી હોય, તો એ સાધના નથી પણ માનસિક ગટર છે. નકામો પ્રવાહ માણસને સક્રિય હોવાનો આભાસ આપીને અંદરથી સાવ ખોખલો કરી નાખે છે.
જે પ્રવાહમાં વહી ગયા પછી કિનારે માત્ર કાદવ મળે, એમાં ડૂબકી મારવાનું બહાદુરી નથી પણ બેવકૂફી છે.