સૉયર ઇફેક્ટ
કામ અને રમત વચ્ચે કોઈ પાયાનો તફાવત નથી. તફાવત માત્ર માનસિક મજબૂરીનો છે. માર્ક ટ્વેઇનની નવલકથામાં ટોમ સૉયરને સજા તરીકે દીવાલને ચૂનો લગાવવાનું કામ સોંપાય છે. તે રડવા બેસવાને બદલે એવો ડોળ કરે છે કે આ કોઈ અદ્ભુત કળા છે. તેના દોસ્તો આ તમાશો જોવા ભેગા થાય છે. ટોમ તેમને ચૂનો લગાવવાનો મોકો આપવાના બદલામાં તેમની પાસેથી સફરજન અને રમકડાં પડાવે છે. જે બોજ હતો, તે અચાનક વિશેષાધિકાર બની ગયો. આ મનોવૈજ્ઞાનિક પલટાને સૉયર ઇફેક્ટ કહે છે.
લેખક ડેનિયલ પિંકે પોતાના પુસ્તક ‘ડ્રાઇવ’માં આ સિદ્ધાંતને આધુનિક સંદર્ભમાં ખોલી આપ્યો છે. જ્યારે તમે કોઈ સ્વેચ્છાએ થતી પ્રવૃત્તિ માટે પૈસા કે દબાણ લાવો છો, ત્યારે તે રમતમાંથી કંટાળાજનક મજૂરી બની જાય છે. તેનાથી ઊલટું, જો મજૂરીને પસંદગી કે પ્રતિષ્ઠા બનાવી દો, તો માણસ સામેથી દોડે છે. માણસનું મગજ કોઈ કામની વાસ્તવિક મહેનતથી નથી થાકતું; તેને એ વાતથી સૂગ ચડે છે કે તેના પર કોઈ હુકમ ચલાવી રહ્યું છે.
આજના ભારતીય સોશિયલ મીડિયા પર આ ખેલ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. વૉટ્સએપ અને એક્સ પર લોકો આખો દિવસ મફતમાં બીજાના એજન્ડા લડાવે છે. નેતાઓની તરફેણમાં દલીલો કરવી, ફેક ન્યૂઝ તપાસવા કે વિરોધીઓને ગાળો ભાંડવી એ અસલમાં પીઆર કંપનીઓનું ભારે પગારવાળું કામ છે. છતાં એક સામાન્ય યુવાન પોતાની નોકરી કે ધંધો છોડીને દિવસના પાંચ કલાક આ સાયબર યુદ્ધમાં હોમી દે છે. કોઈ તેને આ કામના પૈસા આપવા જાય તો કદાચ તે ના પાડી દે. અહીં તેને લાગે છે કે તે દેશ બચાવવાની મહાન રમત રમી રહ્યો છે. આઈટી સેલવાળા ટોમ સૉયર છે અને મોબાઈલ પકડીને બેઠેલો સામાન્ય માણસ મફતમાં ચૂનો લગાવી રહ્યો છે.
તમારી મહેનત બીજા કોઈનો નફો બની જાય ત્યારે જાગવું જરૂરી છે. બાહ્ય ઇનામ અંદરના આનંદને મારી નાખે છે અને કૃત્રિમ મહાનતા સાચા શોષણને છુપાવી દે છે. જ્યારે કોઈ કામ ખૂબ રોમાંચક લાગે, ત્યારે એક ક્ષણ રોકાઈને જોવું પડે કે હાથમાં કૂંચડો પકડાવીને ખૂણામાં ઊભો ઊભો કોણ હસી રહ્યું છે.
જે કામ કરવાના પૈસા મળવા જોઈએ, તે કામ જો તમે હોંશેહોંશે મફતમાં કરી આપો, તો તમે કલાકાર નથી પણ મૂરખ છો.