રબર હેન્ડ ઇલ્યુઝન
તમારો અસલ હાથ પડદા પાછળ સંતાડી દેવામાં આવે છે. ટેબલ પર તમારી નજર સામે એક નકલી, રબરનો હાથ મૂકવામાં આવે છે. હવે પ્રયોગ કરનાર વ્યક્તિ એક પીંછી લઈને તમારા છુપાયેલા અસલ હાથ અને સામે પડેલા રબરના હાથ બંને પર એક જ સમયે, એક જ લયમાં સ્પર્શ કરે છે. થોડી જ મિનિટોમાં તમારું મગજ છેતરાઈ જાય છે. તમને લાગે છે કે સામે પડેલો રબરનો હાથ જ તમારો અસલ અંગ છે. અચાનક જો કોઈ એ રબરના હાથ પર હથોડી મારે, તો તમે દર્દથી ચીસ પાડી ઊઠો છો. આ છે ‘રબર હેન્ડ ઇલ્યુઝન’.
આ પ્રયોગ સાયકોલોજિસ્ટ મેથ્યુ બોટવિનિક અને જોનાથન કોહેને ૧૯૯૮માં ‘નેચર’ જર્નલમાં પ્રસિદ્ધ કર્યો હતો. તેમણે સાબિત કર્યું કે આપણું મગજ જેને ‘હું’ અથવા ‘મારું શરીર’ માને છે, તે કોઈ અફર સીમા નથી. આંખ જે જુએ છે અને ત્વચા જે અનુભવે છે, એ બંને વચ્ચે સહેજ તાલમેલ બેસાડી દો એટલે બહારની નિર્જીવ વસ્તુ પણ અંદરની વાસ્તવિકતા બની જાય છે. ઓળખ એટલી બરડ છે કે થોડીક સેકન્ડોમાં તેનું સરનામું બદલાઈ શકે છે.
આ માનસિક ભ્રમ માત્ર પ્રયોગશાળા પૂરતો સીમિત નથી. આપણી આખી ડિજિટલ દુનિયા આ જ સિદ્ધાંત પર ચાલે છે. જ્યારે તમે કોઈ બહારની વસ્તુ સાથે સતત જોડાયેલા રહો છો, ત્યારે મગજ તેને પોતાનો જ ભાગ ગણી લે છે. સ્માર્ટફોન હાથમાંથી પડી જાય ત્યારે સ્ક્રીન નહીં, જાણે આપણું હૃદય તૂટી ગયું હોય એવો આંચકો લાગે છે. મશીન બહાર છે, પણ નર્વસ સિસ્ટમ તેને અંદર સ્વીકારી ચૂકી છે.
આપણા દેશના વૉટ્સએપ યુનિવર્સિટી અને પ્રાઇમ-ટાઇમ ટીવી ન્યૂઝમાં આ ભ્રમ ચરમસીમાએ પહોંચે છે. સ્ક્રીન પર ચીસો પાડતો એન્કર કોઈ અજાણ્યા મુદ્દે ગુસ્સો ભડકાવે છે. બે હજાર કિલોમીટર દૂર બેઠેલા અજાણ્યા લોકોની લડાઈને તમે તમારી અંગત લડાઈ માની લો છો. મોબાઇલમાં આવતો ભડકાઉ મેસેજ બીજા કોઈનો વિચાર છે, પણ વૉટ્સએપ સ્ક્રોલ કરતી આંગળીઓ તેને પોતાનો આક્રોશ બનાવી દે છે. રબરનો હાથ કોઈ બીજાનો હતો, પણ હથોડી વાગી ત્યારે લોહી તમારું ઉકળ્યું.
જે મન પારકા રબરને પોતાનું અંગ માની લે, એ સ્ક્રીન પર નાચતી પારકી નફરતને પોતાનું સત્ય માની લે તો નવાઈ નહીં.