રેન્ડમ ઇમ્પેક્ટ નિયમ
કોઈ સર્જકની સૌથી મોટી સફળતા ક્યારે મળશે? યુવાનીમાં કે વૃદ્ધાવસ્થામાં? આલ્બર્ટ-લાસ્લો બારાબાસીએ પોતાના પુસ્તક 'ધ ફોર્મ્યુલા'માં આ કોયડો ઉકેલ્યો છે. તેમણે હજારો વૈજ્ઞાનિકો અને કલાકારોની કારકિર્દીનો ડેટા તપાસ્યો. તારણ ચોંકાવનારું હતું: સફળતાનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી. તમારી સૌથી મોટી સફળતા પ્રથમ પ્રોજેક્ટમાં પણ મળી શકે અને રિટાયર થતાં પહેલાંના છેલ્લા પ્રયાસમાં પણ. દરેક પ્રયાસની સફળ થવાની સંભાવના એકદમ અણધારી અને રેન્ડમ હોય છે. ઉંમર સાથે કૌશલ્ય સ્થિર રહે છે, બદલાય છે માત્ર પ્રયાસોની સંખ્યા.
આ નિયમ આપણી એક મોટી ભ્રમણા તોડી નાખે છે. આપણે માનીએ છીએ કે માણસ યુવાન હોય ત્યારે જ તેજસ્વી પરિણામ આપે છે. વાસ્તવમાં યુવાનો વધુ પ્રયાસો કરે છે, એટલે તેમની સફળતા વહેલી દેખાય છે. વૃદ્ધો પ્રયત્ન કરવાનું ઘટાડી દે છે, તેથી તેમની હિટ થવાની શક્યતા ઘટે છે. જે દિવસે તમે નવા તીર ચલાવવાનું બંધ કરો છો, તે દિવસે તમારી સફળતાની લોટરી લાગવાની શક્યતા શૂન્ય થઈ જાય છે.
આ નિયમ ઘરના રસોડા અને સંસારમાં પણ એટલો જ સાચો પડે છે. ધારો કે અનિતાબહેન અને તેમની સાસુ કાંતાબેન વચ્ચે વર્ષોથી અણબનાવ ચાલે છે. બંને વચ્ચે સંબંધ સુધારવા માટે અનિતાબહેને પચાસ અલગ અલગ નુસખા અજમાવ્યા. ક્યારેક મોંઘી સાડી લાવી આપી, ક્યારેક તીર્થયાત્રા કરાવી, ક્યારેક તેમની મનપસંદ વાનગી બનાવી. પહેલા ચાલીસ પ્રયાસો સાવ નિષ્ફળ ગયા. કોઈ અસર ન થઈ. પણ એક સામાન્ય સાંજે, માત્ર ચાની રકાબી આપતી વખતે પૂછાયેલું એક સહજ વાક્ય સાસુના હૃદયને સ્પર્શી ગયું અને વર્ષોનો બરફ પીગળી ગયો.
સંબંધોમાં કઈ વાત ક્યારે દિલ જીતી લેશે તે કોઈ ગણિતશાસ્ત્રી નક્કી નથી કરી શકતો. તમે દસ હજાર રૂપિયાની ભેટ આપો ત્યારે કદાચ કંઈ ન થાય, પણ અચાનક એકાદ સામાન્ય કાળજી કાયમી પ્રેમ ઊભો કરી દે. કયો વાર અચૂક લાગશે તે અગાઉથી જાણી શકાતું નથી. એકમાત્ર રસ્તો એ છે કે પ્રયાસોની આવૃત્તિ ચાલુ રાખવી. દરેક નવો પ્રયાસ પરિણામની સમાન સંભાવના ધરાવે છે.
ચમત્કાર ક્યારે થશે તે સમય નક્કી નથી કરતો, તમે કેટલી વાર પ્રયત્ન કર્યો તે નક્કી કરે છે.