બરબાદ કરનારી જીત
જીત બે પ્રકારની હોય છે. એક જીત તમને સમૃદ્ધ બનાવે છે અને બીજી જીત તમને ભિખારી કરી મૂકે છે. એવી જીત, જે મેળવવા પાછળ એટલું બધું ગુમાવવું પડે કે અંતે હાર અને જીત વચ્ચે કોઈ તફાવત ન બચે. આ ખ્યાલને ઇતિહાસમાં પિરિક વિક્ટરી કહે છે. બહારથી જોનાર તાળીઓ પાડે છે, પણ અંદરથી વિજેતાનું ઘર ખાલી થઈ ચૂક્યું હોય છે.
આ વાત ઈસવીસન પૂર્વે ૨૭૯ના સમયની છે. એપિરસના રાજા પિરસે રોમન સેના સામે ભયંકર લડાઈ જીતી લીધી. જીત ચોક્કસ મળી, પણ તેની આખી સેનાનો કચ્ચરઘાણ વળી ગયો. તેના શ્રેષ્ઠ સેનાપતિઓ અને લડવૈયાઓ મરી પરવાર્યા. ઇતિહાસકાર પ્લુટાર્ક નોંધે છે કે અભિનંદન આપનારા સાથીઓને પિરસે મોઢા પર કહી દીધું હતું: ‘જો આપણે રોમનો સામે આવી બીજી એક લડાઈ જીત્યા, તો આપણું નામનિશાન મટી જશે.’
માણસ ઘણીવાર સાચા સાબિત થવાની કે જીતવાની જીદમાં એ ભૂલી જાય છે કે તે દાવ પર શું લગાવી રહ્યો છે. અહંકાર જીતી જાય છે અને જિંદગી હારી જાય છે. ધંધામાં હરીફને પાછળ પાડવા ભાવ એટલા ઘટાડી દેવા કે છેવટે પેઢી જ દેવાળું ફૂંકે. કોર્ટ કેસ જીતવા માટે વીસ વર્ષ અને આખી મૂડી ખર્ચી નાખવી. કાગળ પર તમે જીતો છો, પણ વાસ્તવમાં તમે ખતમ થઈ ગયા હો છો.
અમેરિકા કે લંડન ગયેલા આપણા ગુજરાતીઓમાં આ રોગ બહુ વ્યાપક છે. ન્યૂ જર્સીમાં મોટો બંગલો અને ટેસ્લા લેવાની હોડમાં ભાઈ સાત દિવસમાં એંસી કલાક કામ કરે છે. મોટેલ કે ગ્રોસરી સ્ટોરના કાઉન્ટર પર આખી યુવાની ઘસી નાખી. પચાસની ઉંમરે કરોડોનું બેંક બેલેન્સ થયું, ગ્રીન કાર્ડ આવી ગયું અને વતનમાં વાહવાહ થઈ ગઈ. પણ બદલામાં ડાયાબિટીસ, હાર્ટ એટેક, ભાંગી પડેલું લગ્નજીવન અને માતૃભાષા ન બોલી શકતાં અજાણ્યાં સંતાનો મળ્યાં. આ તે કેવી જીત?
જે જીતની ઉજવણી કરવા માટે તમારું અસ્તિત્વ જ બાકી ન રહે, એ વિજય નથી પણ આત્મહત્યા છે.