← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · માણસ નામનું પ્રાણી

ઓપોર્ચ્યુનિટી ઓપન માર્કેટ

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૪૪

કોઈપણ કંપની કે તંત્રમાં માણસ બંધાઈ જાય એટલે સડી જાય છે. એક જ ટેબલ, એક જ બોસ અને એક જ બીબાંઢાળ કામ. જો કર્મચારીને ટીમ બદલવી હોય, તો બોસની ખુશામત કરવી પડે અથવા લડવું પડે. આ જડતાને તોડવા માટે અમેરિકન કંપની સેલ્સફોર્સના એન્જિનિયરિંગ નેતૃત્વએ ૨૦૧૩ની આસપાસ એક સરળ રસ્તો કાઢ્યો. એમણે નામ આપ્યું ‘ઓપોર્ચ્યુનિટી ઓપન માર્કેટ’. આંતરિક બદલીઓ માટે મુક્ત બજાર. જ્યાં કર્મચારી પોતાની મરજીથી નવી ટીમ અને નવો પ્રોજેક્ટ પસંદ કરી શકે, મેનેજરની મંજૂરીની ભીખ માગ્યા વગર.

વિચાર સાવ રોકડિયો છે. જો તમારી સંસ્થાનો શ્રેષ્ઠ માણસ બહારની નોકરી શોધવા માંડે, તો ખોટ કોને? સંસ્થાને જ. શા માટે એને ઘરની અંદર જ નવો પડકાર ન આપવો? આ મોડેલમાં કંપની અંદર જ ખુલ્લો રોજગાર મેળો ભરે છે. દરેક મેનેજરે પોતાના પ્રોજેક્ટનું માર્કેટિંગ કરવું પડે છે અને કર્મચારીઓ નક્કી કરે છે કે કોની સાથે કામ કરવું. સત્તા બોસ પાસેથી છીનવાઈને કામ કરનારના હાથમાં આવે છે.

આ મોડેલ સંસ્થામાંથી ભત્રીજાવાદ અને મેનેજરોની દાદાગીરી ખતમ કરે છે. ખરાબ મેનેજરની ટીમ આપોઆપ ખાલી થઈ જાય છે. સારા પ્રોજેક્ટ્સને આપોઆપ પ્રતિભાશાળી લોકો મળી રહે છે. ભારતીય માનસિકતા ઊંધી છે. આપણે ત્યાં સિનિયર એટલે માલિક. એ પોતાના માણસને બીજી ટીમમાં જવા ન દે, જાણે માણસ કંપનીનો નહીં પણ એનો અંગત ગુલામ હોય. આ જડતા ઉદ્યોગો અને તંત્ર બંનેને ધીમું ઝેર આપે છે.

આપણી સરકારી નોકરીઓ કે દિલ્હીમાં યુપીએસસી પાસ કરીને બેઠેલા અફસરોનું ઉદાહરણ જુઓ. એક તેજસ્વી યુવાન આઈએએસ બને છે. તેને શિક્ષણ કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ક્રાંતિ કરવી છે. પણ સિસ્ટમ તેને અઢી વર્ષ સચિવાલયમાં ખાંડ કે ખાતરની ફાઈલો ક્લિયર કરવા બેસાડી દે છે. બદલી માટે નેતાઓના પગ પકડવા પડે અથવા કેડરના નિયમોમાં સબડવું પડે. જો આ સરકારી માળખામાં પણ કામનું ખુલ્લું બજાર હોત, તો લાયક અફસરો પોતાની રુચિ મુજબના પ્રોજેક્ટ ખેંચી લાવત. ટેબલ પર ધૂળ ખાતી ફાઈલો અને ઊંઘતા બાબુઓ આપોઆપ અદ્રશ્ય થઈ જાત.

જે તંત્ર માણસને બદલાવાની સ્વતંત્રતા નથી આપતું, તે ધીમે ધીમે કબ્રસ્તાન બની જાય છે.

માણસ નામનું પ્રાણી
← પહેલું પ્રકરણખુલ્લી ચોપડી સંચાલનઆગલું પ્રકરણ →ઓપ્રા ભ્રમણા