← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · ભ્રમ અને ભેજું

પહેલાં પગલાંને વહાલ કરો

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૨૬૯

કોઈ પણ નવી યાત્રા શરૂ થાય ત્યારે માણસ ભયભીત હોય છે. પહેલો ગ્રાહક, પહેલો પગાર, પહેલી વાર બનાવેલી ચા કે પહેલો સાચો નિર્ણય. મોટા થયા પછી આપણે આ બધાને ભૂલી જઈએ છીએ. આપણે સીધા કરોડોના ટર્નઓવર કે લાખોના ફોલોઅર્સ ગણવા બેસી જઈએ છીએ. આ ભૂલ છે. જે ક્ષણે તમે તમારો પ્રથમ મુકામ હાંસલ કર્યો હતો, એ જ ક્ષણે તમારા ભવિષ્યનો પાયો નખાયો હતો. એ શરૂઆતને, એ પહેલા ટેકાને મજબૂતીથી પકડી રાખવો પડે.

આ વિચાર અમેરિકન લેખક અને એડવર્ટાઈઝિંગ એક્સપર્ટ રોય સ્પેન્સે પોતાના પુસ્તકમાં મૂક્યો છે. એમનું કહેવું સીધું છે: જીવનના પ્રથમ સીમાચિહ્નો અને પ્રારંભિક ટેકેદારોને ભૂલવા એ કૃતઘ્નતા છે અને કમનસીબી પણ છે. જ્યારે તમે શૂન્ય પર હતા ત્યારે જેમણે તમારી વાત માની, એ લોકો સાચા હતા. સફળતા મળ્યા પછી આવી ચડતા લોકો માત્ર તમારી ચમક પાછળ ખેંચાઈ આવ્યા હોય છે. મૂળિયાં તો પહેલા પાણીમાં જ બંધાયાં હતાં.

આ વિચાર માત્ર સંબંધો માટે નથી, આખી જિંદગીની શૈલી છે. માણસ જ્યારે પોતાનું પહેલું પગલું યાદ રાખે છે ત્યારે તેનામાં એક સહજ નમ્રતા ટકી રહે છે. તમે આકાશમાં ઊડો પણ જમીન ક્યાં હતી એ ખબર હોય. જેઓ પોતાના શરૂઆતના સંઘર્ષની ક્ષણોને ધિક્કારે છે કે છુપાવે છે, તેઓ અંદરથી ખોખલા થઈ જાય છે. શરૂઆત નાની હોય તો જ સફર મોટી બને છે. એ નાના સંઘર્ષની સુગંધ આજીવન સાથે રહેવી જોઈએ.

પ્રવાસનું જ ઉદાહરણ લો. આજે તમે યુરોપની મોંઘી ફ્લાઇટ પકડીને લક્ઝરી હોટેલમાં રોકાતા હો, પણ યાદ કરો એ દિવસો જ્યારે એસટી બસની છેલ્લી સીટ પર બેસીને પહેલી વાર ગિરનાર કે દ્વારકા નીકળ્યા હતા. ખિસ્સામાં માંડ પાંચસો રૂપિયા હતા. મિત્રો સાથે ગાંઠિયા વહેંચીને ખાધા હતા અને ધર્મશાળાના ઠંડા ફર્શ પર ચાદર પાથરીને સૂતા હતા. એ યાત્રાએ તમને ભૂખ, ધીરજ અને રસ્તાની સાચી કિંમત શીખવી હતી. આજે સ્વિટ્ઝર્લેન્ડનો બરફ જોતાં જોતાં જો એ પહેલી સસ્તી યાત્રાને હસીને યાદ ન કરી શકો, તો તમારા પાસપોર્ટ પરના સિક્કા નકામા છે.

જે માણસ પોતાની પહેલી સાઈકલને ભૂલી જાય છે, એ મર્સિડીઝમાં બેસીને પણ ખુશ નથી રહી શકતો.

ભ્રમ અને ભેજું
← પહેલું પ્રકરણઅહંકારી ગર્વઆગલું પ્રકરણ →હ્યુમન કમ્પોસ્ટિંગ