← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · ભ્રમ અને ભેજું

સ્ત્રી પ્રભાવ સિદ્ધાંત

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૫૯

કોઈ એક જગ્યાએ પુરુષોનું એકહથ્થુ શાસન હોય અને ત્યાં અચાનક સ્ત્રીનો પ્રવેશ થાય ત્યારે આખો માહોલ બદલાઈ જાય છે. આ કોઈ કવિતા નથી, વર્તણૂકનો વ્યવહારુ નિયમ છે. નિર્ણય લેવાની રીત બદલાય છે. અહંકારના ખોટા ઘર્ષણો ઓછા થાય છે. જોખમ લેવાની આંધળી હિંમત પર બ્રેક લાગે છે. 'ફીમેલ ઇફેક્ટ' શબ્દ કોઈ એક લેખકે ઘડેલો પેટેન્ટેડ સિક્કો નથી. આજના બિઝનેસ અને સમાજશાસ્ત્રના સાહિત્યમાં તે સ્ત્રીની હાજરીથી સંસ્થા કે નિર્ણયમાં આવતા નક્કર પરિવર્તન તરીકે ઓળખાય છે.

પુરુષોનું મન મોટા ભાગે દેખાડો કરવામાં અને પ્રભુત્વ સ્થાપવામાં અટવાયેલું રહે છે. કોની પાસે મોટી કાર છે અને કોનો અવાજ મોટો છે, એમાં ઊર્જા વેડફાય છે. જ્યારે નિર્ણાયક સ્થાને સ્ત્રી આવે છે ત્યારે પ્રાથમિકતા બદલાય છે. લાંબા ગાળાની સલામતી, ઝીણી વિગતો અને વાસ્તવિક સંબંધો આગળ આવે છે. જે વ્યવસ્થામાં માત્ર પુરુષો બેઠા હોય ત્યાં જોખમનો નશો ચડે છે. સ્ત્રીની હાજરી એ નશાને ઉતારીને પગ જમીન પર રાખવાનું કામ કરે છે.

આ વાત સમજવી હોય તો આપણા સુરત કે અમદાવાદના ટેક્સટાઇલ માર્કેટની કોઈ જૂની પેઢી જુઓ. વર્ષોથી બાપ અને દીકરાઓ ગાદી પર બેસીને વેપાર કરતા હોય. ઉધાર આપવાની બાબતમાં ખોટી મર્દાનગી દેખાડે કે 'આપણે તો પેલાને પચાસ લાખનો માલ આપી દીધો!' દેવું વધી જાય, ઉઘરાણી ફસાય, પણ કોઈ પોતાની ભૂલ કબૂલવા તૈયાર ન થાય, કારણ કે અહંકાર વચ્ચે નડે.

હવે એ જ પેઢીની ગાદી પર ઘરમાંથી ભણેલી દીકરી કે વહુ આવીને હિસાબ-કિતાબ સંભાળવા બેસે ત્યારે ગણિત બદલાય છે. તે મીઠી વાણીથી પણ રોકડા પૈસા પહેલાં કઢાવી લે છે. કયો ગ્રાહક માત્ર વાતો કરે છે અને કોણ ખરેખર નફો આપે છે, એની સ્પષ્ટતા તે પકડી પાડે છે. પુરુષો જેને વ્યવહાર માનતા હતા, સ્ત્રી ત્યાં નરી વાસ્તવિકતા જુએ છે. પેઢીનો નકામો વટ ઘટે છે અને સાચો નફો વધે છે.

પુરુષો સામ્રાજ્ય જીતવાના ઘમંડમાં મરે છે; સ્ત્રીઓ ઘર અને ગલ્લો સાચવીને સામ્રાજ્ય જીવાડે છે.

ભ્રમ અને ભેજું
← પહેલું પ્રકરણસુખનું ગણિતઆગલું પ્રકરણ →ફેમ્સ સિદ્ધાંત