પરિણામનો સીધો સામનો
અંગ્રેજીમાં એક જૂનો રૂઢિપ્રયોગ છે: ફેસ ધ મ્યુઝિક. ભૂલ તમારી છે, તો સજા પણ તમારે જ ભોગવવી પડશે. આ કોઈ ભારેખમ એકેડેમિક સિદ્ધાંત નથી. આ રોજિંદી જિંદગીનું વરવું સત્ય છે. માણસ જ્યારે મુશ્કેલી ઊભી કરે છે ત્યારે છટકી જવાની છીંડીઓ શોધે છે. બહાનાં કાઢે છે, બીજા પર દોષ ઢોળે છે અથવા વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરે છે. આ વિચારધારા બહુ સ્પષ્ટ કહે છે કે જે અપ્રિય પરિણામ સામે આવીને ઊભું રહ્યું છે, તેને સ્વીકારો. પીઠ ફેરવવાથી વાવાઝોડું શાંત થતું નથી.
આ વિચાર કોણે પહેલી વાર વાપર્યો તે ચોક્કસ ખબર નથી. કોઈ એક પુસ્તક કે વિચારકના નામે આની પેટન્ટ નથી. આ સામાન્ય વ્યવહારબુદ્ધિમાંથી ઊતરી આવેલો નિયમ છે. પશ્ચિમના લશ્કરમાં જ્યારે કોઈ સૈનિકને અપમાનજનક રીતે કાઢી મૂકવામાં આવતો ત્યારે ઢોલ-નગારાના અવાજ વચ્ચે તેને બહાર ધકેલાતો. ત્યાંથી કદાચ આ શબ્દપ્રયોગ આવ્યો હોવાનું મનાય છે. જે અવાજ કાનને અપ્રિય લાગે છે, તે અવાજ સાંભળવો જ પડે.
આ વાત સૌથી વધુ ઉપયોગી બને છે દલાલ સ્ટ્રીટના વેપારમાં. શેરબજાર માણસના અહંકારની સૌથી મોટી કસોટી છે. માની લો કે ચંદુભાઈએ કોઈ પેની સ્ટોકમાં મોટી રકમ ઝોંકી દીધી. કોઈ મિત્રની ટીપ હતી, અંદરખાને લોભ હતો. બે મહિનામાં કંપનીના શેર પચાસ ટકા તૂટી ગયા. હવે ચંદુભાઈ સ્ક્રીન જોવાનું બંધ કરી દે છે. પોર્ટફોલિયો ખોલતા ડરે છે. મનને મનાવે છે કે ક્યારેક તો ભાવ પાછો આવશે જ. આ વાસ્તવિકતાથી ભાગવાનો રોગ છે. જે ક્ષણે તમે ખોટો નિર્ણય લીધો છે તે સ્વીકારીને ખોટ બુક કરી લો, એ ક્ષણ તમને બચાવે છે.
આપણે ત્યાં મોટાભાગના લોકો પરિણામોને મોકૂફ રાખવામાં માને છે. લેણદાર દરવાજે ઊભો હોય ત્યારે પાછલા બારણેથી નીકળી જવું એ આપણી જૂની ટેવ છે. પણ આ ટેવ વ્યાજ વધારે છે, મુક્તિ આપતી નથી. ભૂલ કબૂલ કરવી એ નબળાઈ નથી, પુખ્ત હોવાની પહેલી નિશાની છે. વાસ્તવિકતા ક્યારેય તમારી દયા ખાતી નથી. તે હિસાબ માગે છે. જ્યારે હિસાબ આપવાનો સમય આવે ત્યારે અડિખમ ઊભા રહેવું જ એકમાત્ર રસ્તો છે.
જે માણસ પોતાની ભૂલનું સંગીત સાંભળતાં ડરે છે, તેણે જિંદગીના અખાડામાં નાચવા ન ઊતરવું જોઈએ.